Sunday, December 21, 2014

ધરાનું બીજ છું પણ ફસલમાં આવું તો કેજે,
નીકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કેજે
સમયથી પર થઇને હું ક્ષિતિજની પાર બેઠો છું,
દિવસ કે રાતના કોઇ પ્રહરમાં આવું તો કેજે
બદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની,
હું કોઇની કે ખુદ મારી અસરમાં આવું તો કેજે
જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને,
વિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કેજે
મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે,
હું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કેજે
પરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી,
નદીની વાત કે જળની રમતમાં આવું તો કેજે
તુ જોજે ફાંસની જેમ જ ખટકવાનો છું છેવટ લગી,
કદી હું ક્યાંય લોહીની ટશરમાં આવું તો કેજે


- અશરફ ડબાવાલા

No comments:

Post a Comment