Sunday, December 21, 2014

ટેરવાઓમાં તૂટ્યા ટકોરા છતાં દ્વાર ઉઘડ્યા નહીં,
અંધ ઉંબર પે ફસડાયા ઓળા, છતાં દ્વાર ઉઘડ્યા નહીં
એક પારેવડું અધખૂલી બારીથી બહાર ઊડી ગયું,
કૈં હવામાં તરી આવ્યાં પીછાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં
સીમ ભાંગી પડી દૂરથી આંગણે આવીને હાંફતી,
ખાલીપાઓનાં ઠલવાયાં ગાડાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં
ઝાંઝવાં ફાળિયું પ્હેરી ઝાકળનું ફળિયામાં ઘૂમી આવ્યા,
કાચના આભથી વરસ્યા ફોરાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં
ટોડલો, કંકુથાપા, સૂકાં તોરણો, ચીતરેલા ગણેશ,
સૌએ સાંકળના તબકાવ્યાં ઘોડાં, છતાં દ્વાર ઉઘડ્યા નહીં
ગૂંગળાયાં ફટાણાં, પીઠી ઊતરી, સ્તબ્ધ માણેકથંભ,
કરગર્યા કૈંક અત્તરના ફાયા, છતાં દ્વાર ઉઘડ્યા નહીં

- ભગવતીકુમાર શર્મા

No comments:

Post a Comment