Sunday, December 14, 2014

પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક પુસ્તક ડૂબ્યાં,
પંક્તિ ફકરા અક્ષર શબ્દો શીર્ષક ડૂબ્યાં
હસ્વ ઈ-દીર્ઘ ઇ અનુસ્વાર ને કાનો માતર,
વમળ-વહેણમાં તણાઇને સૌ ભરચક ડૂબ્યાં
પંડિતના ચશ્માં, કલમો સર્જકની ડૂબી,
ધરી તર્જની લમણે શાણા ચિંતક ડૂબ્યાં
સાંકળિયાં એ, પાદટીપ ને લાલ લિસોટા,
ભીંત ઉપરની ઘડિયાળોનાં લોલક ડૂબ્યાં
જળજળ બંબાકાર કબૂતર અને છાજલી,
તૈલીચિત્ર પાછળનાં ચીંચીં-ચકચક ડૂબ્યાં
આંગળીઓની છાપ અને દ્રષ્ટિના સ્પર્શો,
પુસ્તક સાથે ઘણા સંભવિત વાચક ડૂબ્યાં
કાકમંજરી કુમુદસુન્દરી સાર્ત્ર ગયા ક્યાં?
મન્દાક્રાન્તા, વસંતતિલકા, તોટક ડૂબ્યાં

કાળમુખા જળદાનવ, તારું ગજું કેટલું?
કાલ જન્મશે જ્ઞાન આજ જે અઢળક ડૂબ્યાં

ભગવતીકુમાર શર્મા

No comments:

Post a Comment