Sunday, December 21, 2014

ધરાનું બીજ છું પણ ફસલમાં આવું તો કેજે,
નીકટ હોવા છતાં તારી નજરમાં આવું તો કેજે
સમયથી પર થઇને હું ક્ષિતિજની પાર બેઠો છું,
દિવસ કે રાતના કોઇ પ્રહરમાં આવું તો કેજે
બદલતી ભાવનાઓ ને પરાકાષ્ઠા છે સર્જનની,
હું કોઇની કે ખુદ મારી અસરમાં આવું તો કેજે
જો આવીશ તો ફક્ત આવીશ ઇજનના ભાવ લઇને,
વિવશતા કે વ્યથા રૂપે ગઝલમાં આવું તો કેજે
મને મળવા ચીલાઓ ચાતરીને આવવું પડશે,
હું કોઇ પંથ કે કોઇ ડગરમાં આવું તો કેજે
પરમ તૃપ્તિને પામીને હવે છું મુક્ત મારાથી,
નદીની વાત કે જળની રમતમાં આવું તો કેજે
તુ જોજે ફાંસની જેમ જ ખટકવાનો છું છેવટ લગી,
કદી હું ક્યાંય લોહીની ટશરમાં આવું તો કેજે


- અશરફ ડબાવાલા
આંખમાં દ્રશ્યોને રોપી, ટેરવે આતંક દઈ,
સ્વપ્ન ક્યાં ચાલી ગયું, આ વાણીપતનો જંગ દઈ
પૂર્ણતાથી અંત પર આવીને ઊભો છું હવે,
તું ઉગારી લે મને કોઈ નવો આરંભ દઈ
હે કૃપાળુ, અંત પર થોડીક તો તું કૃપા કર,
સ્પર્શથી પરખી શકે એવા તું એને રંગ દઈ
એ અખંડિત હોય ત્યારે કંઈ કરી શકતો નથી,
પણ જશન રોશન કરે હંમેશા એનો અંશ દઈ
આમ તો લગભગ હતા સરખા હે ઈશ્વર, આપણે,
તું સવાયો થઈ ગયો અમને અમારું અંગ દઈ
મેં હુકમ સંચારબંધીનો ચડાવ્યો શીશ પર,
તેંય રાખી લાજ, મનમાં કંઇક રમતાં છંદ દઈ
એમ કંઈ અશરફને તું ભૂંસી નહીં શકશે કદી,
તારી લીલા કે પછી લટકા સ્વરુપે ધ્વંસ દઈ


- અશરફ ડબાવાલા
અમારી દુર્દશા માટે તમારા વાંક શું ગણવા?
છળે શ્વાસો જ અમને તો હવાના વાંક શું ગણવા?
અમે શ્રદ્ધા ગુમાવીને પછી રસ્તે જ બેસી ગ્યા,
તમારા તીર્થ કે એની ધજાના વાંક શું ગણવા?
ઊણપ ઉપચારમાં લાગે જગતનો એ જ નિયમ છે,
દરદની ઓથ લૈ લે તું, દવાના વાંક શું ગણવા?
મને મારી જ હદ છે કેટલી એની ખબર ક્યાં છે,
અને એમાં વળી તારી ગજાના વાંક શું ગણવા?
અમે આ મોરના પીંછાથી આગળ જૈ નથી શકતા,
તો એમાં મોર કે એની કળાના વાંક શું ગણવા?

- અશરફ ડબાવાલા
લલાટે લેખ છઠ્ઠીના અને તકદીર મુઠ્ઠીમાં,
જીવન જીવી જવાની છે, તો છે તદબીર મુઠ્ઠીમાં
અગર લાગે છે તો, ખોબો જ એમાં કામ લાગે છે,
નથી ઝિલાતાં કોઈથી, નયનનાં નીર મુઠ્ઠીમાં
હશે કાં આટલી મોટી તે કિંમત, બંધ મુઠ્ઠીની,
ખૂલી જ્યાં, જોયું તો ન્હોતું કશુંયે હીર મુઠ્ઠીમાં
કરી જો લાલ આંખોને, અને મુઠ્ઠી ઉગામી જો,
પછી તારે નહીં લેવી પડે, શમશીર મુઠ્ઠીમાં
દીવાલો દુર્ગની તોડી છે, બોલે છે તવારીખો,
મૂકી છે શક્તિ એવી સર્જકે, અક્સીર મુઠ્ઠીમાં
દુ:શાસન પણ પછી તો પાપથી નિજ ખૂબ પસ્તાયો,
કે જ્યારે નાં સમાયાં દ્રૌપદીનાં, ચીર મુઠ્ઠીમાં
મને ડર છે કે તો તો મન થશે જકડાઈ જાવાનું,
જો એનાં જુલ્ફની આવી જશે, જંજીર મુઠ્ઠીમાં
નજુમીએ કહ્યું તો યે નથી, કિસ્મત મળી અમને,
હથેળીમાં જ અંકિત છે હજી, જાગીર મુઠ્ઠીમાં
- કિસ્મત કુરેશી
મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે,
એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે
દ્રશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી,
આપણી દ્રષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે
આંખના કાંઠે તો બસ બે ચાર બિન્દુ ઊભરે,
મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે
સૂર્ય શો હું, આથમીને સત્ય એ સમજી શક્યો,
માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે
નામ પાછળ જીંદગીભર દોડવું એળે જશે,
આખરે જે જાય છે એ તો ન-નામીહોય છે


હેમંત પુણેકર
એમ થોડો લગાવ રાખે છે,
સ્વપ્નમાં આવજાવ રાખે છે
ક્યાં એ આપે છે છૂટ્ટો દોર કદી,
હલકો હલકો તણાવ રાખે છે
ફુલ શી જાત રક્ષવા માટે,
કાંટા જેવો સ્વભાવ રાખે છે
એ તો દબડાવવા સમંદરને,
ફક્ત કાગળની નાવ રાખે છે
ભૂલી ગઈ છે સુગંધી ઘટનાઓ,
યાદ એક અણબનાવ રાખે છે


- હેમંત પુણેકર
આપને ભીંજાવવાના કોડ છે,
વાદળોમાં વરસવાની હોડ છે
આ પવન લપટાય છે ચહેરા ઉપર?
કે આ તુજ પાલવની રેશમ-સોડ છે?
સૂર્યને પણ એક દિન પડકારશું,
કોડિયાને કેવાકેવા કોડ છે
લાગે છે આગળ હવે રસ્તો નથી,
જીંદગીનો આ તે કેવો મોડ છે?
ઠોકરો ખાઈ શીખેલો કાચ છું,
તડથી બચવાની કલા તડજોડ છે


- હેમંત પુણેકર