' વરસાદી મોર '
સખી ! હૂંફાળી સેજ પર કાંટા ફૂટે ને ઓલ્યા મધરાતે બોલે છે મોર ....
વરસાદી વાયરાની વાછટ ઉડે ને ઓલ્યા કમખામાં ખૂંચે છે થોર ....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....
વાદળમાં વ્હાલ જોઈ હેતથી હું ડોલી ,
રણઝણતી ઘુઘરિયું ધીમેથી બોલી ,
અંતરના ઓરડામાં નેણલાં ડૂબે ને ઓલ્યા પરભાતે ઝીંકાતો શોર....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....
ઉભેલો ચાડિયો ધીમેથી ડોલે ,
મધમીઠો સાદ જાણે ભીતરમાં ખોલે ,
ઓળઘોળ રંગાવા ઝરણાં ફૂટે ને ઓલ્યા અધરાતે છાંટે છે તોર.....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....
ગમતીલા ગીતોમાં લગની તો લાલઘૂમ ,
નવરંગી હૈયામાં સાજન તો ક્યાંય ગુમ ,
અધખુલ્લી આંખોમાં સપના વછૂટે ઓલ્યા કમખામાં થાતો કલશોર ....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....
---- હર્ષિદા દીપક
No comments:
Post a Comment