Tuesday, November 10, 2015

આટલો બધો દફ્તરનો બોજ ?
રમવાનું હોય નહિ, ફરવાનું હોય નહિ,
ભણ ભણ કરવાનું રોજ !
નાજુકશા વાંસા પર મણમણનો ભાર ઝીલી,
સપનાં સેવે છે પતંગના,
પાંખોને કાપીને આપે આકાશ,
એવા કર્યા છે હાલ આ વિહંગના !
મુક્તિનો શ્વાસ મળે એવી કોઈ શાળાની
ક્યારે થવાની હવે ખોજ ? …આટલો બધો દફ્તરનો બોજ ?
જાતજાતના વિષયનું વિષ જાણે ઘોળીને,
બાળપણું છીનવી લીધું છે,
કોચિંગ ક્લાસ, ટ્યુશનની બોલબાલા એવી,
હાય ! કોણે આ ભણતર દીધું છે ?
વેકેશન બેચ અને સન્ડે પણ ટેસ્ટ,
પછી કેમ કરી કરવાની મોજ ? …આટલો બધો દફ્તરનો બોજ ?
કોમ્પ્યુટર, મોબાઈલ ને ટી.વી.ના ચસકામાં,
ભૂલે છે રમતો એ કેટલી !
હોમવર્ક ને પ્રોજેક્ટ ને વીકલી અસેસમેન્ટની,
યાદી સમજાય નહિ એટલી
પોતાની ફરિયાદ ને પોતાના આંસુ લઈ,
ક્યાં જાશે બચ્ચાની ફોજ ? …આટલો બધો દફ્તરનો બોજ ?
– આશા પુરોહિત

No comments:

Post a Comment