Saturday, November 14, 2015

રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી,
આંસુથી મેલા આ આંખોનાં આંગણાને,
વાળીને હમણાં પરવારી હો..
સૂરજનાં તાંતણામાં ડૂબેલી ઘટનાઓ,
ફાનસનાં અજવાળા ચૂએ;
પડછાયા ઓગળીને અંધારું થાય,
અને શમણાની ઓસરીમાં રૂએ.
બારીને ઝાપટીને ચોક્ખી કરૂં ત્યાંતો,
સેપટ ઉડે છે અણધારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી
ચુલા પર સાચવીને કરવા મૂક્યો છે,
મેં પાછલી ઉમરનો વઘાર;
આંખોની નીચેનાં કુંડાળા શોભે છે,
વેદનાનો લીલો શણગાર.
સૂની અગાસીનાં ટેકાએ ઉભેલી,
પૂનમ થઈ છે અલગારી હો..
રાત આખી આસપાસ સૂતાં આ ઉજાગરાને
વહેલી સવારે સંજવારી ….

- અંકિત ત્રિવેદી

No comments:

Post a Comment