Tuesday, September 30, 2025

સુખના રંગો મેં તો વેર્યા

સુખના રંગો મેં તો વેર્યા આકાશમાં,
રંગોના મેઘ કેવા વરસ્યા  રે લોલ..
એક એક બુંદ  કેવી વરસે  આનંદ ભરી,
શીતળ, ફુલડાં શી મહેકતી રે લોલ... 

જીવન રંગાઈ ગયું મેઘધનુષી રંગમાં,
સઘળાં રંગો કેવા દીપી ઉઠ્યાં રે લોલ,
આતમનું પોત ભલે રંગવિહીન શ્વેત હો,
પાલવ રંગરંગીન ઓઢીયો રે લોલ....🌹

દુઃખને  દાટી ને મેં તો વાવી વેલ સુખની,
અશ્રુ, મશરૂ થી એને સિંચી રે લોલ, 
હૈયાનું હેત ને પ્રેમ ઉર  રેડિયાં,
જીવનનું દિવ્ય નૂર  ચમકી ઉઠ્યું રે લોલ...🌹

સુખ દુઃખના કેવા કરવાં હિસાબ સખી,
દુઃખને જ  માની સુખ,   વહેવું રે લોલ, 
પ્રેમ જ રહે સદા સર્વદા શોભા્યમાન,
" મૈનાકી " યત્ર તત્ર મહેકે રે લોલ.....

રચના : મૈત્રેયી મહેતા. " મૈનાકી ".




.

Tuesday, August 26, 2025

વરસાદી મોર '

' વરસાદી મોર '  

સખી ! હૂંફાળી સેજ પર કાંટા ફૂટે ને ઓલ્યા મધરાતે બોલે છે મોર ....
વરસાદી વાયરાની વાછટ ઉડે ને ઓલ્યા કમખામાં ખૂંચે છે થોર ....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....

વાદળમાં વ્હાલ જોઈ હેતથી હું ડોલી ,
રણઝણતી ઘુઘરિયું ધીમેથી બોલી ,
અંતરના ઓરડામાં નેણલાં ડૂબે ને ઓલ્યા પરભાતે ઝીંકાતો શોર....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....

ઉભેલો ચાડિયો ધીમેથી ડોલે ,
મધમીઠો સાદ જાણે ભીતરમાં ખોલે ,
ઓળઘોળ રંગાવા ઝરણાં ફૂટે ને ઓલ્યા અધરાતે છાંટે છે તોર.....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....

ગમતીલા ગીતોમાં લગની તો લાલઘૂમ ,
નવરંગી હૈયામાં સાજન તો ક્યાંય ગુમ ,
અધખુલ્લી આંખોમાં સપના વછૂટે ઓલ્યા કમખામાં થાતો કલશોર ....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....

---- હર્ષિદા દીપક

Saturday, May 24, 2025

મને મનગમતી સાંજ એક આપો :

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ ! મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…
 
ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને અર્જુનનો મત્સ્યવેધ આપો.
 
મને આપો એક સાંજ, મને આપો એક રાત મને આપો એક એવો આશ્લેષ 
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ, કાયમની કેદ મને આપો ! 

-જગદીશ જોષી