Thursday, June 1, 2017

કલેજા અમારા રે વીંધી રે નાખ્યાં બાઈજી
છાતી મારી ફાટ ફાટ થાય રે .
છૂટાં છૂટા તીર અમને ન મારીયે બાઈજી
મેંથી સહ્યાં નવ જાય જી.
બાણ રે વાગ્યા ને રૂંવાડા વીંધાણા
મુખથી કહ્યાં નવ જાયજી.
આપોને વસ્તુ મુને લાભ જ લેવાને
પરિપૂર્ણ કરોને કાય રે.
બાણ તમને પાનબાઇ વાગ્યાં નથી ને
બાણ રે વાગ્યાં ને હજુ વાર રે,
બાણ રે વાગ્યાથી સુરતા ચઢે આસમાનમાં
ને દેહ રે દશા મટી જાય જી .
બાણ રે વાગ્યાં હોય તો બોલાય નહીં પાનબાઈજી
પરિપૂર્ણ વચનમાં વર્તાય જી,
ગંગાસતી રે એમ બોલિયા પાનબાઇ
પૂર્ણ અધિકારી કહેવાય જો.

ગંગા સતી
સાવ અમસ્તું નાહક નાહક નિષ્ફળ નિષ્ફળ રમીએ,
ચાલ મજાની આંબાવાડી! આવળબાવળ રમીએ.

બાળસહજ હોડી જેવું કંઈ કાગળ કાગળ રમીએ,
પાછળ વહેતું આવે જીવન, આગળ આગળ રમીએ.

માંદા મનને દઈએ મોટું માદળિયું પહેરાવી,
બાધાને પણ બાધ ન આવે, શ્રીફળ શ્રીફળ રમીએ.

તરસ ભલેને જાય તણાતી શ્રાવણની હેલીમાં,
છળના રણમાં છાનાંમાનાં મૃગજળ મૃગજળ રમીએ.

હોય હકીકત હતભાગી તો સંઘરીએ સ્વપ્નાંઓ,
પ્રારબ્ધી પથ્થરની સાથે પોકળ પોકળ રમીએ.

ફરફર ઊડતું રાખી પવને પાન સરીખું પહેરણ,
મર્મર સરખા પારાવારે ખળખળ ખળખળ રમીએ.

હું ય ગની’, નીકળ્યો છું લઈને આખોમાખો સૂરજ,
અડધીપડધી રાત મળે તો ઝાકળ ઝાકળ રમીએ.


ગની દહીંવાલા
મંદિર સાથે પરણી મીરાં, રાજમહેલથી છૂટી રે
કૃષ્ણ નામની ચૂડી પહેરી, માધવની અંગૂઠી રે

આધી રાતે દર્શન માટે આંખ ઝરુખે મૂકી રે
મીરાં શબરી જનમજનમની જનમજનમથી ભૂખી રે

તુલસીની આ માળા પહેરી, મીરાં સદાયે સુખી રે
શ્યામ-શ્યામનો સૂરજ માથે, મીરાં સૂરજમુખી રે

કાળી રાતનો કંબળ ઓઢી, મીરાં જાગે સૂતી રે
ઘાયલકી ગત ઘાયલ જાણે, જગની માયા જૂઠી રે


સુરેશ દલાલ
બંધ પરબીડિયામાંથી મરણ મળે તમને,
બચી શકાય તો બચવાની ક્ષણ મળે તમને.
ટપાલ જેમ તમે ઘેર-ઘેર પ્હોંચો પણ,
સમસ્ત શહેરના લોકો અભણ મળે તમને.
ખજૂરી જેટલો છાંયો મળે એ સિક્કાની,
બીજી બાજુ ય છે એવી કે, રણ મળે તમને.
વિખૂટું હોય છે તેને ભૂલી જવા માટે,
સમક્ષ હોય છે તેનું શરણ મળે તમને.
તમારા કંઠમાં પહેલાં તો એક છિદ્ર મળે,
પછી તૃષા ને પછીથી ઝરણ મળે તમને.
ઝરણ નહીં તો એના પ્રાસથી ચલાવી લ્યો,
અહીં અભાવનું વાતાવરણ મળે તમને.
જાવ, નિર્વીર્ય હે શબ્દો, તમોને આશિષ છે,
તમારા ક્લૈબ્યનું વાજીકરણ મળે તમને.
રમેશ પારેખ

Monday, May 8, 2017

હળવે હળવે શીત લહેરમા ઝુમી રહી છે ડાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
એકમેકને ગમતી સળીઓ શોધીએ આપણે સાથે;
મનગમતા માળાનું સપનુ જોયુ છે સંગાથે.
અણગમતુ જ્યાં હોય કશું ના માળો એક હુંફાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
મનગમતી ક્ષણ ના ચણચણીએ ના કરશું ફરિયાદ;
મખમલ મખમલ પીંછા વચ્ચે રેશમી હો સંવાદ.
સપના કેરી રજાઇ ઓઢી માણીએ સ્પર્શ સુંવાળો,
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો !
મઝિયારા માળામા રેલે સુખની રેલમછેલ;
એકમેકના સાથમાં શોભે વૃક્ષને વીંટી વેલ.
મનહર મદભર સુંદરતામા હોયે આપણો ફાળો
સંગાથે સુખ શોધીએ રચીએ એક હુંફાળો માળો

તુષાર શુક્લ

ઉનાળો ફેલાતો જાય
માતેલો તાપ ઠેઠ જીવ સુધી પહોંચ્યો તે દરિયા પણ સુક્કા દેખાઇ
હોઠમાંથી ખરી પડ્યું પાણીનું ભાન અને વસ્યું એક ઝાંઝવાનું ગામ,
નહીંને જો ઓચિંતો આવે વરસાદ તો તો પડી જાય રૂંવેરૂંવે ડામ,
પારધીના હાથમાંથી છૂટેલી હોય તેવી લૂથી તો પથ્થરો વીંધાય
ઉનાળો ફેલાતો જાય
તરસો લીલોતરી પીવાની ઝાળઝાળ લાગી કે કોણ અહીં પાશે?
તૂટ્યા સંબંધ યાદ આવે કદીક એવી ખાલીખમ પરબો પણ ક્યાં છે?
બેક ટીંપા રડવું આવ્યું છે મને એવી હું અફવા ફેલાવું પણ, હાય
ઉનાળો ફેલાતો જાય

રમેશ પારેખ 
જળ  ઉપર અક્ષર બતાવે તો ખરો
આગમાં કે શ્વવાસમાં એ હોય પણ
તુ પવનનુ ઘર બતાવે તો ખરો
જિદગીનો અથઁ એથી તો કશો ના નીકળે
ઉષણ જળમાથી બરફ કરવા યુવાની વાપરો
ને બરફ જેવો બુઢાપો ટીપે ટીપે પીગળે
સાથ રહીશુ મંત્ર ભણવાના નથી
ઉજવે છે એ મધુરજની છતા
પંખીઓ ક્યારે પરણવાના નથી
એક બાળક આમ જોવુ ઈષ્ટ છે
સ્કુલના ઝાંપે કહે મા આવજે
દ્શ્ય સાદુ  તે છતાં સ્વાદિષ્ટ છે.

પંખીને શંકાનો કીડો ના કદી રંજાડતો
દેવચકલી નાહીને ઉભી રહે કિનારીએ
સૂયઁ આવી રોજ એના અંગ લૂછી નાખતો

પ્રેમ કરશો તો તમોને મોક્ષ મળશે
પાટિયાં દુકાન પર ચીતરાયેલાં
લાગણીની પણ અહીં ઝેરોકસ મલશે.

મુકેશ જોષી