Friday, March 12, 2021

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

 તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,મા

રે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

તારે બોલે હાંફળ ફાંફળ ચાકર ઉઠે બેસે,

મારા ઘરમાં કીડી સુદ્ધા દમામપૂર્વક બેસે.

મારે ફળીયે ઝૂલે ઝાડની ઘટાદાર ખુશીયારી,

ખોલું ત્યાં આકાશ લાગલું દેતી ઘરની બારી,

જેવો મારો ઉંબર તેવું આડેઘડ પછવાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું.


તારે ફળીયે તારો વૈભવ ખોંખારાઓ ખાય,

મારે પંખીના ટહૂકાથી અજવાળા ફેલાય,

સાત રંગના ઓડકાર તું સાવ એકલો ખાતો,

હું તો અકડેલઠટ્ઠ ડાયરા વચ્ચે મગન થાતો.

આવા મારા સાવ ઠોઠ જીવતરને શું શીખવાડું,

તારો વૈભવ રંગમોલ સોનું ને ચાકર ધાડું,

મારે ફળીયે ચકલી બેસે તે મારું રજવાડું,

– રમેશ પારેખ


No comments:

Post a Comment