Friday, March 12, 2021

શ્યામ છોને, સત્વ પણ તો જોઈએ!

 કુંજરોવા સત્ય પણ તો જોઈએ!

શ્યામ છોને, સત્વ પણ તો જોઈએ!


મોરનું એ પીંછ તો શોધી શકું;

રાસનું એ દ્રશ્ય પણ તો જોઈએ!


છે ગીતામાં આમ તો લખ્યું બધું;

પણ સમજવા, કૃષ્ણ પણ તો જોઈએ!


છે હજારો શિશુપાલો ચોતરફ;

એ સુદર્શન ચક્ર પણ તો જોઈએ!


હોય ચારે કોર ગોવર્ધન ભલે;

આંગળી મજબૂત પણ તો જોઈએ!


એકલી આ વાંસળી લઈ શું કરું?

કૃષ્ણ જેવી ફૂંક પણ તો જોઈએ!


દર્દ મારા કૃષ્ણના જેવા ભલે;

એ જ મોહક સ્મિત પણ તો જોઈએ!

ડૉ. મુકેશ જોષી


No comments:

Post a Comment