Wednesday, April 26, 2017

SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.
વૃંદાવન મથુરા તો રોમરોમ જાગ્યાં છે,
મોરલી મોબાઇલ જેવી રાખો.
સાઇબરકાફેમાં હવે સર્ફિંગ કરે છે
પેલી ગોપીઓની યુગજૂની આંખો,
ઇચ્છાના ગોધણને વાળો, હો શ્યામ !
હવે ગોવર્ધન માંગે છે પાંખો,
ટચલી આંગળીએ હવે સાચવજો માઉસ,
અને માખણને ફેટ ફ્રી રાખો
SMS કરવાનું ….
વેબકેમ આંખોમાં આંજીને ગોપીઓએ
સંતાડી દીધા ઉજાગરા,
કપડાં તો સૂકવ્યાં છે સદીઓથી ડાળ ઉપર
વહેવડાવો વાયરા કહ્યાગરા,
રાધાના આંસુના અટકાવો શ્યામ !
હવે મેકઅપને મોભામાં રાખો
SMS કરવાનું ….
ઇ-મેઇલ વાંચીને હવે અર્જુનને સમજાવો
કે મનમાંથી કાટમાળ કાઢે
ગાંડીવ ને શંખધ્વનિ સાચવે ભલે
પણ પર્સમાંથી પામટોપ કાઢે,
કૌરવના કમ્પ્યુટર વાયરસ લખે છે,
તેની ભોળી કોઇ ભાળ હવે રાખો
SMS કરવાનું બંધ કરો શ્યામ !
હવે રૂબરૂમાં આવવાનું રાખો.

ભાગ્યેશ જહા

No comments:

Post a Comment