કોણ કહે કજિયાળો મુજને, કોણ કહે કજિયાળો રે! એવું કહી શીદ બાળો મુજને, કોણ કહે કજિયાળો રે! કોણ કહે કજિયાળો રે! મન મારું આકાશે તરતું, વાદળીઓની સાથે ફરતું, બા કે'શે કે લેસન કર તું, ઠપકો દેતી ઠાલો રે. કોણ કહે કજિયાળો રે! ઍરોપ્લેનને ઊડતું દેખું, જાણે જઈ ગગનમાં ઠેકું, બાપુ ત્યાં ગોખાવે લેખું, મરજો લેખાવાળો રે કોણ કહે કજિયાળો રે! ઘૂંટું જ્યાં પાટી પર મીંડાં, સાંભરતાં રૂપાળાં ઈંડાં, શોધું છું ક્યાં ક્યાં પંખીડાં, બાંધે બેઠાં માળો રે. કોણ કહે કજિયાળો રે! ઊંડા ઊંડા દરિયા ઉપર શી રીતે દોડે છે સ્ટીમર, પૂછું રે કોઈ આપો ઉત્તર, મારી શંકા ટાળો રે. કોણ કહે કજિયાળો રે! પૂછું તો બા શીદ ખિજાતાં, કેમ નથી કંઈ ગીતો ગાતાં મૂંગાં મૂંગાં પોઢી જાતાં, કેમ જશે શિયાળો રે કોણ કહે કજિયાળો રે! આવી દૂધલિયાળી રાતો, કહો બા, તારાની વાતો, શી રીતે આ આભ સુહાતો ઝગમગ ભાત્યોવાળો રે કોણ કહે કજિયાળો રે! મારા મનના કૈંક વિચારો, કોને જઈ હું કહું બિચારો ડગલે પગલે મળતો ડારો, કોઈ ન કાં પંપાળો રે કોણ કહે કજિયાળો રે! ખિજાયા વિણ ખોળે લઈને, સમજાવો આલિંગન દઈને, બેસીશ ડાહ્યો ડમરો થઈને, હું તે સાવ સુંવાળો રે કોણ કહે કજિયાળો રે! પણ જો તરછોડ્યા કરશો તો, મોઢું મચકોડ્યા કરશો તો, મનડું સંકોડ્યા કરશો તો, વધશે મુજ ગોટાળો રે. કોણ કહે કજિયાળો રે! કોણ કહે કજિયાળો મુજને, કોણ કહે કજિયાળો રે! -ઝવેરચંદ મેઘાણી
Wednesday, December 2, 2015
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment