Friday, September 25, 2015

મને ગોકુળિયું ગામ પાછું આપો 
મારા લઇ લ્યો કોઈ સામટા સંતાપો .
મટકી ફોડી અમે માખણ ખાધું એને વીત્યા છે જુગના જુગ 
બત્રીસ ભોજન હવે ભાવતા નથી, એમાં આવે છે વૈભવની સૂગ !
ફરી આંગણામાં બચપણને થાપો !
મને ગોકુળિયું ગામ પાછું આપો .
ક્યાં નંદબાબા ? ક્યાં જશોદા મૈયા ? ક્યાં કાળી કાલંદરીનો કાંઠો?
ને રાધાનું નામ એક એવું તો નામ-જાણે ગળચટો શેરડીનો સાંઠો !
કોઈ હવે દેખાડો વનરાવન-ઝાંપો !
મને ગોકુળિયું ગામ પાછું આપો .
સોનાની દ્વારકાના કિલ્લાના કાંગરાઓ ભલા થૈ છાતીમાં વાગે 
ગોકુલની ધૂળમાં ખેલવાના કોડ ફરી અંતરમાં આજકાલ જાગે !
પડે કાળજામાં રોજ રોજ કાપો !
મને ગોકુળિયું ગામ પાછું આપો 
-
લાલજી કાનપરિયા

No comments:

Post a Comment