Sunday, September 27, 2015

બેડાં મૂકીન તમે બેસજો ઘડીક
હું તો સુક્કા સરોવરનો ઘાટ;
વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં
મારો ખાલીખમ ઉચાટ.
તમને જોયાં ને પાંચ પગલાંની એકવાર
હૈયે જડેલ ભાત સાંભરે,
એકવાર છલછલતા હિલ્લોળે પોંખ્યાનાં
કંકુ-ચોખાની વાત સાંભરે;
મને પથ્થરના સમણાના સમ્મ, ફરી જાગે રે
તે દીનો ભીનો તલસાટ
બેડાં મૂકીન તમે બેસજો ઘડીક
હું તો સુક્કા સરોવરનો ઘાટ !
ઝાંઝરના મૂંગા રણકાર સમું ગામ
આમ ટળવળતું ટળવળતું જાય !
ઝાંઝવાની પરબો રેલાય તોય વાયરાની
તરસી વણઝાર ના ધરાય !
વાત વાદળ કે કાજળની કરતાં જાજો રે,
વાત સૂરજ કે છૂંદણાંની કરતાં જાજો રે,
નકર નૈ ખૂટે નોંધારી વાટ
વીરડા ગાળીન પછી ભરજો નિરાંતવાં
મારો ખાલીખમ ઉચાટ !
 માધવ રામાનુજ



No comments:

Post a Comment