Friday, September 25, 2015

તમારું ખુદનું અંધારું ન ઘેરે તમને રસ્તામાં!
કવિતાના કિરણનો હાથ ઝાલીને જરા નીકળો
પડ્યાં રહેવું ન ઘરમાં પાલવે વરસાદી મોસમમાં
ભીના વાતાવરણનો હાથ ઝાલીને જરા નીકળો
અટૂલા પાડી દે છે કૈં વખત પોકળ પરિચિતતા
અજાણ્યા કોક જણનો હાથ ઝાલીને જરા નીકળો
જીવનની ભીંસમાં કરમાઈ જાતાં વાર નહિ લાગે
તરોતાજા સ્મરણનો હાથ ઝાલીને જરા નીકળો
ઘડીના માત્ર છઠ્ઠા ભાગમાં થાશે જીવન દર્શન
સડક વચ્ચે મરણનો હાથ ઝાલીને જરા નીકળો
વીતેલા બાળપણનો હાથ ઝાલીને જરા નીકળો
નર્યા વિસ્મયની ક્ષણનો હાથ ઝાલીને જરા નીકળો

સમજવા મનને સઘળી શાસ્ત્ર સમજણ ખીંટીએ ટાંગો
પછી કોઈ અભણનો હાથ ઝાલીને જરા નીકળો
-
મનોજ ખંડેરિયા

No comments:

Post a Comment