Sunday, February 8, 2015

અધિક છે વેદથી પણ જ્ઞાનનો વિસ્તાર આંસુમાં,છુપાયો છે છૂપી રીતે જગત-કિરતાર આંસુમાં
કહીં આનંદથી ઊભરેકહીં પર શોકથી વહેતાં,તરે છે ને ડૂબે છે આ સકળ સંસાર આંસુમાં
ભૂમિઆકાશ ને પાતાળમાં પણ ધૂમ છે એની,ખબર નહોતી હશે આવી અસર બે-ચાર આંસુમાં
હજારો આશ અંતરની વસી છે બુંદ પાણીમાં,હું એનો આ જ શોધું છું ડૂબીને સાર આંસુમાં
હ્રદય જે બાર આવે છે હશે એમાં હ્રદયમૂર્તિ,જરા તું ધ્યાનથી જો તો ખરો પળવાર આંસુમાં
વ્યથા એને ન થાયે એ જ ચિંતા થાય છે એથી,હ્રદયનો શોક ચમકે છે બની શણગાર આંસુમાં
લડે છે હર ઘડી આશા નિરાશા મુજ હ્રદયમાંહી,કરે છે બાર આવીને પરસ્પર પ્યાર આંસુમાં
નથી નિશ્વાસમાં શયદા’ નથી મારા તડપવામાં,કથા મારા જીવનની છે ફક્ત બે-ચાર આંસુમાં

- ‘શયદા

No comments:

Post a Comment