Tuesday, February 17, 2015

લખ્યું તેં પત્રમાં પ્યારા નથી સત્કાર મેં કીધો
ખબર વિવેકની મુજને નથી તો તું ક્ષમા કરજે
અહો સત્સ્નેહને અંગે સુહ્રદ એ બોલવું છાજે
ચહે જો પ્રેમ આદરને, નહિ એ પ્રેમ પ્રેમીનો
અખંડિત પ્રેમને બંધો, જરૂર શી હોય આદરની
પધારો, આવજો, બેસો, વૃથા એ વાદ શા સારૂં
હ્રદયસત્કાર જ્યાં થાતો ઉભય ઉરમાં વિના માંગ્યો
નયનસત્કાર નવ ઈચ્છે વદનસત્કાર શાને તો
વિનય રસના તણો એવો બતાવે પ્રેમમાં ખામી
પ્રપંચી કાજ રે'વા દ્યો, ન ઈચ્છે પ્રેમના પાત્રો
હસે દિલ પ્રેમનાં ભરીયાં રહે જુદા છતાં સંગે
વિનય સત્કારને એમાં નથી અવકાશ મળવાનો
પધારો એમ કે'વાથી પધારે તે પધાર્યા ના
નિમંત્રણ પ્રેમીને શાનાં, અનાદર પ્રેમીને શાનો
મળ્યાં છે ચિત્ત વિણ યત્ને શરીર તો જોડવા છે ક્યાં
કરે કર આપવો શાનો, મને મન જ્યાં મળેલા છે
સુહ્રદનું આગમન થાતાં, ઉઠે સત્કાર કરવાને
અરે એ તો જનો જૂઠાં, ખરેખર બાહ્યપ્રેમી તે
ભલે એ થીગડાં દેવાં હજો અતિ ઈષ્ટ શિષ્ટોને
સ્પૃહા સત્પ્રેમના ભોગી જનો તેની નહિ રાખે
વિનયની પૂરણી માંગે અધુરી એટલી પ્રીતિ
પ્રતીતિ પ્રેમની કરવા નથી અધિકાર આદરને
-- : દામોદર બોટાદકર

No comments:

Post a Comment