Thursday, July 3, 2014

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…
આભમાં જોને કેટલાં વાદળ…
એટલો પાગલ…

ઝાડનું નાનું ગામ વસાવ્યું ને ફૂલને
તારું નામ દીધું છે.
ભમરા તને ગુંજયા કરે: ગુંજવાનું મેં કામ દીધું છે.

જળને તારું નામ દઈ ઢંઢોળી દેતો.
ખોવાઈ ગયેલા નામને મારા ખોળી લેતો.
નદી તારા નામની વહે: એ જ નદીનું જળ પીધું છે.

આપણા પ્રેમની, સુખની દુ:ખની વાત કરું છું
શબ્દો આગળ.
પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

પ્હાડની ઉપર સૂરજ ઊગ્યો: રાતના ઊગ્યા તારા.
દિવસ અને રાત તો તારા નામના છે વણજારા.

ધરતીમાંથી નામનાં તારા તરણાં ફૂટે.
ઝરણાં તારા નામને ઝીણા લયમાં ઘૂંટે.

સાગર, ખડક, પવન, સડક, ઝૂંપડી, મકાન…
સૌને તારું નામ કીધું છે.

નામ તો તારું ગીતને માટે
સાવ કુંવારો કોરો કાગળ…

પૂછતી નહીં કેટલો પાગલ… કેટલો પાગલ…

 – સુરેશ દલાલ


No comments:

Post a Comment