Sunday, June 29, 2014

ઝાકળના ટીપાએ ડૉરબેલ મારી ને કળીઓએ બારણાં ઉઘાડ્યાં રે લોલ,
આછા અજવાસમાં રંગો સુગંધોએ દોડીને પગલાંઓ પાડ્યાં રે લોલ.

દૂરદૂર સ્ક્રીન ઉપર ઊપસી રહી છે સ્હેજ ઉષાની લાલ લાલ લાલી રે લોલ,
લીમડાની લિફટમાંથી નીચે ઊતરીને બે’ક ખિસકોલી વૉક લેવા ચાલી રે લોલ.

બુલબુલના સ્ટેશનથી રીલે કર્યું છે એક નરસી મ્હેતાનું પરભાતિયું રે લોલ,
લીલાને સૂકા બે તરણાંમાં સુઘરીએ કેટલુંયે ઝીણું ઝીણું કાંતિયું રે લોલ.

ચાલુ ફલાઈટમાંથી ભમરાએ કોણ જાણે કેટલાયે મોબાઈલ કીધાં રે લોલ,
એવું લાગે છે જાણે આખ્ખીયે ન્યાતને ફૂલોના સરનામાં દીધાં રે લોલ.

ડાળી પર ટહુકાનાં તોરણ લટકાવીને વૃક્ષોએ આંગણાં સજાવ્યાં રે લોલ,
પાંખો પર લૉડ કરી રંગોનું સૉફટવેર રમવા પતંગિયાઓ આવ્યાં રે લોલ.

– કૃષ્ણ દવે

No comments:

Post a Comment