Thursday, June 26, 2014

વાદળની તો ગાડી કીધી,
વીજળીનું એન્જિન કીધું;
તારલિયાનું લશ્કર બેઠું
ડબ્બામાં સીધેસીધું.

વીજળીએ વીસલ કીધી ને
ગાડી ઊપડી ગડ-ગડ-ગડ !
મોં મલક્યાં ચાંદા-સૂરજનાં,
હસિયા બન્ને ખડ-ખડ-ખડ !

ડુંગર કૂદતી, ખીણો ખૂંદતી
ગાડી તો ચાલ્યા કરતી,
દેશદેશનાં શહેરો પરથી
દુનિયાની ચોગરદમ ફરતી…

આભ અડીને ઊંચે ઊભો
હિમાલય આવે સામો !
ગાડી તો ગભરાઈ જઈને
નાખે એને ત્યાં ધામો !

ચાંદો ઊતરે, સૂરજ ઊતરે,
ઊતરે તારલિયાનાં દળ;
ખસેડવા હિમાલયને સૌ
ચોગરદમથી કરતાં બળ.

ખસે તસુ ના હિમાલય પણ,
પડતાં સૌ વિમાસણમાં,
છૂટું પડતું વીજળી-એન્જિન,
વીખરાતાં વાદળ ક્ષણમાં !

ચાંદો ભાગે પશ્ચિમ દેશે,
સૂરજ ભાગે પૂર્વ દેશ;
તારલિયા આભે સંતાતા
મૂકીને લશ્કરનો વેશ !

– સોમાભાઈ ભાવસાર

No comments:

Post a Comment