Thursday, June 26, 2014

શ્યામ તારી દ્વારકામાં કેમ કરી આવવું….?
એવડા એ દ્વારકામાં
આવડું આ ગોકુળ,
કહે ને રે શ્યામ કેમ લાવવું….?
તારી દ્વારકામાં કેમ કરી આવવું…..?

જમનાની સાટું તું દરિયો આપે છે
પણ દરિયામાં પૂર કેમ આવશે….?
તારી મરજાદી ગોમતીના બાંધેલા ઘાટમાં
કેમ કરી વનરાવન વાવવું…..?
તારી દ્વારકામાં કેમ કરી આવવું…?

વાંસળિયું સાટું તું સોનાની શરણાયું
દેવાની દે છે ડંફાસ,
શારણાયું કેમ કરી ભીતરમાં વાગશે
જેમાં નહીં હોય તારા શ્વાસ,
તારા મહેલુંના પાણામાં વનરાનાં ગાણાંને
કહેને રે શ્યામ કેમ ગાવવું….?
તારી દ્વારકામાં કેમ કરી આવવું…..?

ગોરસના ઘૂંટ તને કડવા લાગે છે
અને આવે છે અમૃતમાં સ્વાદ,
ગાયુંની ઘંટડીયું ગોઠે ના શ્યામ તને
ગમતા છે નોબતુંના નાદ,
ઓઢ્યું છે એક અમે ગોકુળનું ઓઢણું
કેમ કરી દ્વારકાનું ધારવું…..?
તારી દ્વારકામાં કેમ કરી આવવું……?

– ઈસુભાઈ ગઢવી

No comments:

Post a Comment