Monday, June 30, 2014

(શાર્દૂલવિક્રીડિત)
ખાતો’તો ઈડલી અને રસભર્યા ઢોસા અને ઉત્તપા
માંહી નાખત શ્વેતરંગ ચટણી તીખી અને ઉત્તમા
ને સંભાર સમાસસંધિ સઘળા સ્વાદો ભર્યાં સાથમાં
એવા એ રસથાળના રમણનું સાધો સદા મંગલમ્
(વસંતતિલકા)
ખાજો લગાર ઈડલી ધવલી સુંવાળી
ના ભૂલશો સરસ મેંદુ વડા કદાપી
ઢોસા તમે મનપસંદ અનેક માણી
સંભાર લેજો ચટણી પણ નારિયેલી
(મંદાક્રાંતા)
સાદો ઢોસો વગર ચટણી સાવ સાદો જ લાગે
ખાવું શું એ સમજ ન પડે મોજ ના કાંઈ લાવે
એમાં જો લ્યો રસમસમ સંભાર તો સ્વાદ આવે
સાથે વાટો અડદ ચટણી કોપરાની વિકલ્પે
(શિખરિણી)
મસાલાં ઢોસો તો નજર પડતાં હોઠ મલકે
મને ભાવે એ જો પડ કડક ચોમેર સઘળે
મઘેમાં એ પોચો, નરમ કુમળો સૌમ્ય વિનયી
બટાકા ને કાંદા યુગલજન શા રાહબરથી
(અનુષ્ટુપ)
બીજો ઢોસો મૂકી દે ને હજુ છે મુજને ક્ષુધા
કહીને પાત્ર મેં આજે તમારા કરમાં ધર્યું
(શિખરિણી)
અમારા એ ઢોસા હરસમયમાં પ્રિય સરખા
સવારે ને સાંજે અતિહરખથી ખાવત બધા
વયે નાનામોટા સમ સળવળે જીભ મુખમાં
તમે જો આવો તો સરસ જમશું થાળ નવલાં
ગરમાગરમ ઢોસો મેજ પર આવી ગયો છે માટે
અહીં જ વિરમું એ જ ઈષ્ટ છે, નહીં વારું ?

 – સ્નેહલ ન. મુઝુમદાર

No comments:

Post a Comment