Sunday, August 18, 2024

વડલા જેવા પપ્પા મારા

વડલા જેવા પપ્પા મારા , મારા દિલ નો દરિયો.....

હું પપ્પાનો ઝગમગ દિવડો,

પપ્પા ની આંખો નું રતન,

ક્ષણ ક્ષણ ના અમલદાર એતો.....

વડલા જેવા પપ્પા મારા , મારા દિલ નો દરિયો......


પાંપણ ના સંપુટ માં સપના ભરતા રહેતા......

મલક આખાની  હૂંફ ,પપ્પા હૈયે ભરાતા......

પળપળ નો પડછાયો જાણે, પળ પળ ના વિશ્રામ.

વડલા જેવા પપ્પા મારા , મારા દિલનો દરિયો.....


કાળજાનો ટુકડો સમજી,જતન બહુ બહુ કરતા.......

લીલપ નો વગડો...,હરિયાળા હેત ભરતા.......

ખીલ્યુ ખેલ્યું એ ભોળુ શૈશવ, પપ્પા સ્મિત ના પ્રણેતા......

ઝળહળ જેવું જીવન પપ્પા ભરતા રહેતા......

વડલા જેવા પપ્પા મારા, મારા દિલ નો દરિયો, 


હું ફળીયા નું પારેવુ ને એ માળા ના રખવાળા....

શીળી છાંય તમારી...,પપ્પા છે. નિરાળા......

જગ જોયું તમ આંખે વંદુ છબીને નમુ નમુ મસીહા....


કૃપા ત્રિવેદી, ઓઝા,

પપ્પાને પત્ર

પપ્પાને પત્ર "


સાત રંગના રંગોથી રંગેલો દીધો પત્ર ,

પપ્પા તમને બાગ કહું કે કહું સુગંધી અત્ર .....


હાથ ગ્રહીને લઈ જાતા'તા મુજને આગળ આગળ ,

ઝરમર ઝરમર વરસ્યા એ'તો થઈ વરસાદી વાદળ , 

નામ તમારું યાદ કરુને માથે રહેતું છત્ર....

પપ્પા તમને બાગ કહું કે કહું સુગંધી અત્ર .....


કોઈ કટાણે બાજી બગડે  સમજાવી દે મુજને ,

વેણકવેણે પહાડ થઈને ઢનઢોળે છે ખુદને ,

મુજને ઝરણાં માફક વહેતી રાખે છે સર્વત્ર ......

પપ્પા તમને બાગ કહું કે કહું સુગંધી અત્ર .....


પગલે પગલે કહેતા રહેતા જીવનની આ રીતો ,

હરિ નામમાં શ્રદ્ધા રાખી સાથે ગાતા ગીતો ,

લાગણીઓ લૂંટાવે અમને એવી અત્રતત્ર ......

પપ્પા તમને બાગ કહું કે કહું સુગંધી અત્ર .....


    --- હર્ષિદા દીપક