Tuesday, September 21, 2021

એક મોરપીંછનું આવવું

 શાંત બેઠા ત્યાં અચાનક એક મોરપીંછનું આવવું,

આસપાસ ચોપાસ બધે ય કાનાનું વીંટળાવવુ,

મન મહીં રોજ રસ્તો ચીંધે જગતનો એ સારથી,

કર્મયોગને દીપાવી હું એની ઉતારતો 'તો આરતી,

જીવતરના ધુમ્મસમાં એનું પ્રકાશ થઇને આવવું,

શાંત બેઠા ત્યાં અચાનક એક મોરપીંછનું આવવું,

બને એ રામ તો અમે એની શબરી બનવા રાજી,

કૃષ્ણ બનશે તો અમે એને ધરશું આતમ ભાજી,

જરૂર મુજબના વેશ ધરીને મદદે એનું આવવું,

શાંત બેઠા ત્યાં અચાનક એક મોરપીંછનું આવવું,

લડવા માટે શસ્ત્રો પુરા પાડે મારો કાનજી,

દુઃખનો ગોવર્ધન ઉપાડવા સદાય છે એ રાજી,

મુશ્કેલીના રણમાં રણછોડનું મદદે આવવુ,

શાંત બેઠા ત્યાં અચાનક એક મોરપીંછનું આવવું,

સૌને મર્યાદાના પરિઘ માં રહેતા એ શીખવાડે,

લક્ષમણરેખા બનીને એ રાવણને આઘો રાખે,

હૃદયની ગાદી ઉપર એની પાદુકા હું રાખું,

શાંત બેઠા ત્યાં અચાનક એક મોરપીંછનું આવવું,

આસપાસ ચોપાસ બધે ય કાનાનું વીંટળાવવુ...

~ કેતન ભટ્ટ

No comments:

Post a Comment