Sunday, September 12, 2021

અમને શું ફેર પડે બોલો ?

 ઢેફુ સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો

અમને શું ફેર પડે બોલો ?

આંગળીયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની તે ભૂલા પડવાથી હવે ડરીએ ?મારગ ને પગલાંને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે ને વળી કોઈ કહે બારીયું તો ખોલો

અમને શું ફેર પડે બોલો ?વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઊગ્યા તો ઊગ્યા

આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા ભાઈ, ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા

ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેસે કે વળી હોલો !

અમને શું ફેર પડે બોલો ?

આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા તે કાંઠે જઈ માથાં પછાડીએ ?

એકાદો મરજીવો મૂળ લગી પ્હોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ

બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો!

અમને શું ફેર પડે બોલો ?

– કૃષ્ણ દવે


No comments:

Post a Comment