Tuesday, October 13, 2020

હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો,

 હરિ મારી આંખ્યુંમાં કરજો વિસામો,

પાંપણની પોટલીમાં આંસુનાં તાંદુલ લઈ

ઉભો હું થઈને સુદામો,

હરિ મારી આંખ્યુંમાં..

દરિયાની ભરતીમાં મોજાનો લોડ

એમ ઉછળવું કાયામાં રગોનું;

પાંસળીની પાર પીડા એટલી સમાઈ છે

જેટલું દ્વારીકામાં સોનું,

જરા ધસમસતા શ્વાસોને થામો.

મારી આંખ્યુંમાં કરજો વિસામો.

કીકીઓનાં કુંજામાં સપનાની કાંકરીઓ

નાખે જળધાર એક સીંચી;

કે ધારને કિનારે હરિ હસતા દેખાય

પછી હળવી આંખ લઉં મીંચી.

હવે જળનો કિનારો છે સામો,

મારી આંખ્યુંમાં કરજો વિસામો.

રમેશ પારેખ




No comments:

Post a Comment