Wednesday, October 22, 2014

આવ્યો આવ્યો ને વળી ચાલ્યો,
વાયરો કેમે કરી નહી રહે ઝાલ્યો.

માંડ હજી બેઠા’તા વાળી પલાંઠી
ત્યાં મહેફીલનો ઉડી ગયો રંગ
ભરદોરે આસમાને ઊડતો’તો કેવો
ત્યાં કોણે મારો કાપ્યો પતંગ?

હોઠ પર આવેલા મારા પ્યાલાને કહો
કોણે આમ ધરણી પર ઢાળ્યો?

ઘોડા પર બેસીને આવ્યો અસવાર
ત્યાં પેંગડે ભરાવ્યા પગ પાછા
વહી જાતી ઉડતી આ ધૂળમાં હું જોઉ છું
ચહેરાના રંગ બધા આછા

હોંશે રચેલા મારા રંગ રંગ મહેલને
કોણે કહો અગ્નિથી બાળ્યો?

- કવિ શ્રી સુરેશ દલાલ

No comments:

Post a Comment