Monday, August 4, 2014

આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
અહીંયા તો આવીને પડશે તે દેશું આ તમને ક્યાં અમથા જગાડવા
આપને તો ક્રોડ ક્રોડ ભગતોની ભીડ અને ઉપર જોવાનાં દેવ દેવલાં
એમાં હું મારી ક્યાં વારતાયું માંડું ને કાઢું ક્યાં આરતનાં વેવલાં
આપણું તો હાલશે કે હાલી જાશે ને કાંક કરશું કે કરાવશું બાપલા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
ઠીક છે જે મળશે તે ખાશું પીશું ને કાંક ઢાંકણ મળશે તો જરા ઓઢશું
બાકી તો તડકો ને છાંય છે કે જીવતર એ કોયડાને બેઠો ઉકેલશું
આપણે ક્યાં કોથળાયે વીંટવાનો છોછ છે તે માગું હું કામળી ને કામળા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા
આવી ગયો તો હવે મારી પણ રીત છે કે જાતે જાગીને કાંક માંડું
આખો દી તમને શું કહેવાનું હોય અમે સંસારે કાઢ્યું છે ગાંડું
આખી ચોપાટ મારે જાતે ઉકેલવી છે તમને શું અમથા ભગાડવા
આપણી કંઈ ચિંતાઓ કરશો નહીં રામ અને નિરાંતે સૂઈ જાજો શ્યામળા

– ધ્રુવ ભટ્ટ

No comments:

Post a Comment