Thursday, July 10, 2014

વરસી કંઈ સ્મરણોની હેલી,
હું તો લથબથ ભીંજાઈ થઈ ઘેલી.

વિસરી ગઈના છાણાં થાપી-થાપીને
મેં તો હોવાની ભીંતોને ઓકળી;
ઘરકામની કાથીઓ ખેંચી બાંધેલ ખાટે
આડી પડી’તી થઈ મોકળી.
એના નામનો વંટોળ મૂઓ ફૂંકાયો એમ કે છત અને ભીંતો પડેલી.
વરસી કંઈ સ્મરણોની હેલી…

અંદરથી કોઈ મારી આંખ્યું દાબીને પૂછે:
કોણ છું હું બોલ સખી, બોલ..
કૂણી હથેળીઓ શ્વસી લગીર એમાં
મનડાનો થઈ ગ્યો ચકડોળ.
આટલું રહ્યું ન ભાન? આટલા જન્મોથી હું તારા જ ટેકે ઊભેલી ?!
વરસી કંઈ સ્મરણોની હેલી…

- વિવેક મનહર ટેલર


No comments:

Post a Comment