Sunday, July 27, 2014

આકાશે ધોધમાર બંધાતા રોજ તોય ઇચ્છા વિનાનાં સાવ પાંગળાં
આપણો સંબંધ જાણે વરસ્યા વિનાનાં રહ્યાં વાદળાં…

કોડિયામાં પ્રગટેલા અજવાળાં જેમ
એકબીજામાં ઝળહળતાં આપણે
અજવાળું ઓલવીને કેમ કરી મોકલેલું
શરતોનું સરનામું પાંપણે -

સમણાંના તુટવામાં એવું લાગે કે જાણે હાથમાંથી છૂટાં પડ્યાં આંગળા…
આપણો સંબંધ જાણે…

અંતરથી અંતર જો માપો તો આમ અમે
પાસે ને આમ દૂર દૂર…
કિનારે પહોંચેલાં મોજાંની જેમ અમે
દરિયાથી છૂટવા આતૂર…

ચહેરાના ભાવ બધા વાંચી શકાય તોય આંખોને લાગીએ કે આંધળા…
આપણો સંબંધ જાણે…

ના છૂટકે લેવાતા શ્વાસોમાં વરસતી
સંગાથે જીવ્યાંની ભૂલ
આપણા જ ક્યારામાં આપણે જ વાવેલું
સુગંધ વિનાનું એક ફૂલ.

સાથે રહ્યાંની વાત ભૂલી જઇને આજ છુટ્ટા પડવાને ઉતાવળાં…
આપણો સંબંધ જાણે…

- અંકિત ત્રિવેદી

No comments:

Post a Comment