Sunday, June 29, 2014

જગનું ગરબડિયું ગાડું આમ ચાલે,
મારા વ્હાલમ રિસાય કેમ ચાલે.
સંસારી દર્પણમાં જોયું તો રાજ,
તારો ચાંદલો ચોડ્યો છે મેં તો ભાલે.

સમયની ગરગડી સરકતી જાય,
આમ જીવતરની ચાલણ ગાડી.
એક-મેક સાથ લઈ-દઈને જીવીએ તો,
આયખાની ખીલી ઊઠે વાડી.
સમયની સરવાણી વહેતી રહે,
સાથે આપણી એ વંશ-વેલ મ્હાલે….

જીવન સંસારના સાગરમાં આપણે તો,
સગપણની નાવડીમાં બેઠા.
એક સાથ જીવશું ને એક સાથ મરશું,
કોલ એવા વચનથી એઠા.
અણસમજણના વાયરા વહી ગયા રાજ,
હવે એકલ આ પંથ મને સાલે….

લાંબા વિયોગ પછી દીઠો વ્હાલમીયો,
હરખમાં ગીત ગાઉં તાલે.
ખમ્મા વધામણે દુખણાંઓ લઉં,
મારા વ્હાલમને ચૂમ્મી લઉં ગાલે.
સપના સુલભ આ જીવનનાં ફળિયા,
ને બાથ ભરી લીધી મ્હારા વ્હાલે…

– સુલભ ધંધુકિયા

No comments:

Post a Comment