શામળિયા કેરો ચાંદલિયો
રાધા, સુખ તારે તો શામળિયાની સાથે રે,
ખોળે તારે, ઘેલો શ્યામ મન મૂકીને પોઢે રે.
પીતાંબર એનું લઈને તું મુખ ઉપર ઓઢે રે,
અણિયારાં લોચન કહાનજીના તને જોયે રે.
ગોરી માથે મટૂકી મૂકી વૃંદાવનની વાટે હેંડે રે,
રાજની ખડકીએ આવી કહાનજી નિહાળે રે.
સેંથીમાં સિંદૂર ભરી ઉપર આભૂષણ સોહે રે,
કાજળ તારું કામણગારું લાલજી તેમાં મોહે રે.
શામળિયા કેરો ચાંદલિયો રાધા નીલવટ દીપે રે,
કેડે કંદોરો હિલોળા લે ઝાંઝરના ઘૂઘરા વાગે રે.
નટખટ કાન રમકડાંને રાધાજી નચાવે રમાડે રે,
સ્નેહના રંગોથી શ્યામ સહેલાઈથી ઢળી પડે રે.
ભૂમિ રસ વૃક્ષે પ્રસર્યો કામ રસ નયને વસિયો રે,
અમૃત રસે કુચમંડળ ભર્યા હૃદયે નાથ રસિયો રે.
ભરત સાંગાણી