Monday, March 24, 2025

મીરા બનું કે રાધા બનું,

મીરા બનું કે રાધા બનું,
બોલ કાના બોલ હું શું રે બનું?

તાતા થા થૈ થૈ નાચી ઉઠે છે એકાએક તન મારું આખું,
તારા વગર મને વસમું લાગે છે આખેઆખું આ આયખું,
પાયલ બનું કે ઘાયલ બનું,
બોલ કાના બોલ હું શું રે બનુ?

એકતારો લઈને ગાયા કરું છું મીઠું મધુરું તારું ગીતડું,
મીઠુડી મોરલીનો નાદ સુણીને ડોલી ઉઠે મારું મુખડું 
જોગણ બનું કે ગોપી બનું,
બોલ કાના બોલ હું શું રે બનું?

પ્રીતમના મેઘપ્રેમે લથબથ ભીંજાતું 
કોરુકટ મારું અંગ,
વ્હાલાની વ્હાલપનો લાગ્યો છે મુજને સાવ જુદેરો રંગ
હેલી બનું કે ઘેલી બનું,
બોલ કાના બોલ હું શું રે બનું?

મેહુલ ત્રિવેદી
( ઘાયલ મેઘ)