Tuesday, June 24, 2014

થોથાને મૂકી દ્યો ઊંચા
સાહેબી, આંખ્યુની લિપિ ઉકેલો તો સાચા
થોથાને મૂકી દ્યો ઊંચા

વાંચી વાંચીને તમે એટલું વાંચ્યું કે પ્રેમમાં ય કાઢવાના ભૂલ !
જોડણીની કોઈ ભૂલ થાય નહિ તેથી મેં આપ્યું ગુલાબનું ફૂલ,
કોણે દીધું છે એ ફૂલને જ પૂછો તો ફૂલને ય ફૂટવાની વાચા
થોથાને મૂકી દ્યો ઊંચા…

બી.એ. થાશો, પછી એમ.એ. થાશો, પછી થાશો તો થાશો ડૉક્ટર
બીજું તો કાંઈ નહિ આંખમાંથી નીકળે એ આંસુને કહેશો ‘વોટર’ !
બે હાથ જોડી વિનવે છે આપને હજી ય વળી જાવ પાછા
થોથાને મૂકી દ્યો ઊંચા….

પુસ્તકમાં બહુ બહુ તો મહાભારત હોય, કાં તો કોકની રામાયણ હોય
કાલિદાસ હોય, નાટક ચેટક હોય એકાદી વાર્તાની પારાયણ હોય
એની એકાદી વાતનો અમલ ના થાય તો રહી જાશો કુંવારા કાચા
થોથાને મૂકી દ્યો ઊંચા….

– નવીન જોશી

No comments:

Post a Comment