Saturday, September 5, 2026

હરિવર ઊતરી આવ્યા નભથી

હરિવર ઊતરી આવ્યા નભથી 
ગાતા મેઘમલ્હાર
જળ વરસ્યું ને થયો
 હરિનો સીધો સાક્ષાત્કાર

ફૂંક હરિએ હળવી મારી,
 ગાયબ બળબળ લૂ
શ્વાસ હરિના પ્રસર્યાં માટી
 સ્વયં બની ખુશબૂ

ખોંખારો હરિએ ખાધો ને
 વાદળ ગરજ્યાં ઘોર
સ્હેજ વાંસળી હોઠ અડાડી, 
ટહૂક્યા મનભર મોર
ત્રિભુવનમોહન નેત્રપલક
 ને ઝળળ વીજ ચમકાર
જળ વરસ્યું ને થયો
 હરિનો સીધો સાક્ષાત્કાર

વાદળમાં ઘોળાયો હરિનો
 રંગ સભર ઘનશ્યામ
હરિ પગલે આ ગલી બની
 શ્રાવણનું ગોકુળગામ

પ્રેમ અમલ રસ હરિને હૈયે
 તેનું આ ચોમાસું
નામસ્મરણને શબ્દે નભને
 નેણથી વહેતાં આંસુ
મેઘધનુષમાં મોરપિચ્છના
 સર્વ રંગ સાકાર
જળ વરસ્યું ને થયો હરિનો 
સીધો સાક્ષાત્કાર

 -ભગવતીકુમાર શર્મા



સ્વર અને સ્વરાંકન-માયા દીપક
હરિ તું વરસે પારાવાર
આખે આખો ઊંચક્યો મુજને
મને શેનો લાગે ભાર
હરિ તું વરસે પારાવાર
ગ્રહ્યું શરણ તો લાગ્યું મુજને
આ પર્વત તો તરણું ;
ભવસાગરની બીક હવે શું !
એ તો કેવળ ઝરણું
શરણાગતને સેની ચિંતા
જેના માથે જગદાઘાર
હરિતું વરસે પારાવાર.
સુખ દુ:ખની આ આવન જાવન
ક્યાંક મૂંઝાતું મન ;
ત્યાં સધિયારો આવે તારો
બધું થાય મનભાવન.
એક ભરોસો એક આશ.
બાકી સબ બેકાર
હરિ તું વરસે પારાવાર

ગીત-શુકદેવ પંડ્યા

શામળિયા કેરો ચાંદલિયો

શામળિયા કેરો ચાંદલિયો



રાધા, સુખ તારે તો શામળિયાની સાથે રે, 
ખોળે તારે, ઘેલો શ્યામ મન મૂકીને પોઢે રે.

પીતાંબર એનું લઈને તું મુખ ઉપર ઓઢે રે, 
અણિયારાં લોચન કહાનજીના તને જોયે રે.

ગોરી માથે મટૂકી મૂકી વૃંદાવનની વાટે હેંડે રે, 
રાજની ખડકીએ આવી કહાનજી નિહાળે રે.  

સેંથીમાં સિંદૂર ભરી ઉપર આભૂષણ સોહે રે,
કાજળ તારું કામણગારું લાલજી તેમાં મોહે રે. 

શામળિયા કેરો ચાંદલિયો રાધા નીલવટ દીપે રે, 
કેડે કંદોરો હિલોળા લે ઝાંઝરના ઘૂઘરા વાગે રે. 

નટખટ કાન રમકડાંને રાધાજી નચાવે રમાડે રે, 
સ્નેહના રંગોથી શ્યામ સહેલાઈથી ઢળી પડે રે. 

ભૂમિ રસ વૃક્ષે પ્રસર્યો કામ રસ નયને વસિયો રે, 
અમૃત રસે કુચમંડળ ભર્યા હૃદયે નાથ રસિયો રે. 

ભરત સાંગાણી

Wednesday, June 24, 2026

રખે ને રામ તમે રોતા !

રખે ને રામ તમે રોતા !


રખે ને રામ તમે રોતા !
આપશ્રીના મંદિરમાં કરી નાખ્યું ને
એ રાવણના માણસો તો ન્હોતાં. 
રખે ને રામ તમે રોતા !

ત્યારે પણ તમને તમારા નડેલા ને
આજે પણ બધ્ધું એમનેમ છે.
કૈકઇ ને મંથરાઓ સુધરી ગઈ ને
એ તો આપશ્રીના મનનો બસ વ્હેમ છે.

કહેવાતા સેવક સૌ દાનની નદીમાં
ભલે પોતાનું દાળદર ધોતા....
રખે ને રામ તમે રોતા !

મર્યાદાપુરુષોત્તમ સાચા....પણ...
પ્હેલેથી થોડીક તો રાખવી'તી ધાક
કડવા બોલાયા બે'ક વેણ એમાં
આપ કહો માતા સીતાનો શું વાંક 

ચોરને પણ લાગે છે સી સી ટીવી
માંથી રામજી તો કાંઇ નથી જોતાં 

*કૃષ્ણ દવે* 
તા-૨૨-૬-૨૦૨૬


Wednesday, April 22, 2026

એકવાર આંખોમાં આવ્યું તું પૂર



એકવાર આંખોમાં આવ્યું તું પૂર
ભેળાં રમે'લ એવા, 
અંતરની ગાંઠ જેવા 
કાનજી જતા'તા દૂર દૂર.

ભીની આ પાંપણોને, 
ભીનાં હૈયાં ને કંઈ 
ભીના એ વાંસળીના સુર
એકવાર આંખોમાં આવ્યું તું પૂર

મૂંગી એ  વેદનાંને, 
મૂંગા એ વાયદાને 
મૌનમાં એ પડઘા પ્રચુર
એકવાર આંખોમાં આવ્યું તું પૂર


સુની આ આયખાની 
ખાલીખમ્મ શેરીઓમાં 
બાઝે કંઈ રણઝણ નૂપુર,
ખાલી વૃંદાવનની વાટ જેવી આંખોમાં પ્રગટે કૈં દર્શનનાં નૂર
એકવાર આંખોમાં આવ્યું તું પૂર.

'શબ્દા'

Wednesday, April 15, 2026

આ તે કેવું ?


ઝરણાંનું દે નામ અને ના આપે વહેવું ! 
આ તે કેવું ?
શબ્દો સાથે કામ ને પાછું મૂંગા રહેવું ! 
આ તે કેવું ?

રણની જેવું તરસી પડીએ તોય વહે તું અધ્ધર ?
ઝાકળ જેવું વરસી પડીએ તોય કહે તું પથ્થર ?
તું બોલે બેફામ ને મારે કંઈ ના કહેવું ? 
આ તે કેવું ?

હોય વૃક્ષની જાત અને ના છાંયો આપે ?
છે અમાસની રાત અને પડછાયો આપે ?
માંગું ખુલ્લેઆમ ને તારે કંઈ ના દેવું ? 
આ તે કેવું ?

મત્સ્ય હોઉં ને જળને કંઈ તરવાનું પૂછું ?
વાદળ છું તો વરસું, કંઈ સરનામું પૂછું ?
ભીંજે આખું ગામ ને કોરું એક જ નેવું ! 
આ તે કેવું ?
– કૃષ્ણ દવે

Friday, April 3, 2026

એક કાગળ હરિ!

એક કાગળ હરિ! તને મનાવવા લખું છું.
એવું નથી કે કોઈ માંગણી પૂરી કરાવવા લખું છું.

જંગ છે આ જિંદગી તો હું પણ એક યોધ્ધા છું.
અર્જુનના કૃષ્ણની જેમ સારથી બનાવવા લખું છું.

હશે કર્મ જો દડો તો આવશે જ મુજ તરફ,
જેવો છું તારો જ છું, એમ જતાવવા લખું છું.

આવી શકે તો આવજે જીવનમાં કોઈ વેળાએ,
તારી સાથે થોડો સમય અહીં વિતાવવા લખું છું.

વાંચતા છલકે જો આંખ તારી તો સમજજે,
પોકાર છે દિલથી, તને બોલાવવા લખું છું!

- અંકિતા સોની