Thursday, June 19, 2014

પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

વરસોનાં વરસો તો વીતી ગયાં ને
તોયે પહેલાનાં જેવો ઉમંગ
ઋતુઓનાં રંગોનાં રંગ રંગ માણ્યા
પ્રિયતમની પ્રીતિને સંગ
મારા વ્હાલમની ભાવ ભરી વાણી
એના એક એક બોલમાં ભીંજાણી
પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

જિવનભર ગમતીલો વૈભવ મળ્યો
ને તેમાંયે સ્નેહભરી પ્રીત
કહેવાનું કેટલુંયે ભીતર ભર્યું છે
પણ આંસુમાં અટવાયું ગીત
પ્રભુ ! તારી કૃપાને મેં જાણી
મારા વ્હાલમે મુજને પ્રમાણી
પ્રિયતમની પ્રીત્યું પિછાણી
સૈયર હું તો પ્રિયતમને હૈયે દેખાણી

- મેઘબિંદુ

No comments:

Post a Comment