Wednesday, June 25, 2014

વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી;
ભૂલ્યું ભુલાય કેમ એમ ? અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

ઊગી આષાઢ કેરી વાદળી આકાશ;
દીઠો મહીં ભર્યો પ્રેમ, અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાડીમાં વીજળીની વેલડી ઝબૂકે,
દીઠી મહીં રસઆંખ, અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

વાડીમાં મોરલા કલા કરી રહ્યા’તા;
દીઠી મહીં રૂપપાંખ, અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

મીઠું શું આભનીયે પાર કાંઈ ગાજ્યું;
સુણ્યા મહીં મુજ કાન્ત, અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

અંગુલિના સ્પર્શના સમાં ફોરાં અડ્યાં, ત્ય્હાં
નાઠી હું ઓરડે એકાન્ત, અલબેલડી !
…………. વેણી ગૂંથી ને મહીં ફૂલ હું તો ભૂલી.

ન્હાનાલાલ

No comments:

Post a Comment