Wednesday, June 25, 2014

નીંદરની ચાદર ઓઢી, જાયે સંસાર પોઢી,
……………….. આકાશે રેલાયે અંધાર જી;
કોણ રે આવીને ત્યારે મારી વીણાના તારે,
……………….. આવા તે જગાડે ઝંકાર જી ?

નીંદ મારી જાય તૂટી, બેસું પથારીમાં ઊઠી,
……………….. જાણું ના શાના આ ભણકાર જી;
નજરૂં ત્યાં પાછી વળે, આશા મારી ના ફળે,
……………….. દષ્ટિ તો પામે ના દીદાર જી.

ગુંજે આ શી અજાણી, કોની વિપુલ વાણી ?
……………….. કોના આ વ્યાકુલ વાગે સૂર જી ?
કોના એ છાના સાદે, કોના રે મીઠા નાદે
……………….. ભીતર મારું થાયે ભરપૂર જી ?

અંતરમાં ઊંડી આશા, એ તો પામે ના ભાષા,
……………….. ઊરમાં તો આંસુ કેરા ભાર જી;
દુર્લભ જ્યાં દર્શન તારાં, શી વિધ પહેરાવું મારા
……………….. કંઠ કેરો આ કુસુમહાર જી ?

– નાથાલાલ દવે

No comments:

Post a Comment