Sunday, July 26, 2015

ઝરણાંને એક દિ’ આવ્યો વિચાર કે વાદળ બનું તો કેવું સારું ?
પવનના રથમાં થઈને સવાર આખ્ખી ધરતીની આરતી ઉતારું.
ઝરણાંને એક દિ’…
બુંદ-બુંદ વરસીને સ્વાતિમાં તૃષિત ચાતકની ઠારી દઉં પ્યાસ,
ધોધમાર વરસીને લાવી દઉં હેઠે હું ખેડૂતને ચઢેલો શ્વાસ,
સૂક્કીભઠ ધરાનું રોમ-રોમ ભીંજવી લીલ્લેરા તોરણે સંવારું.
પવનના રથમાં થઈને સવાર આખ્ખી ધરતીની આરતી ઉતારું.
ઝરણાંને એક દિ’…
માસૂમ શીશુના અંગોને સ્પર્શું ને યૌવનને કરું ઓળઘોળ,
આખ્ખીય સૃષ્ટિ મ્હાલી ઊઠે જાણે વરસ બેઠું હોય સોળ,
દરિયામાં વરસીને મારે શું કામ ?  દરિયાનું પાણી તો ખારું.
પવનના રથમાં થઈને સવાર આખ્ખી ધરતીની આરતી ઉતારું.
ઝરણાંને એક દિ’…
– દિનેશ ડોંગરે ‘નાદાન’
કોણ જુએ સાંજને કેવી સલૂણી હોય છે ?
આંખ માણસની દિવસના અંતે ઊણી હોય છે !
જંગલોમાં જઈ કરે તપ એને ક્યાંથી હો ખબર?
શહેરની આ જિંદગી પણ એક ધૂણી હોય છે!
વાત માણસની સરળકોણી થશે ક્યારેય પણ ?
એ સદા બહુકોણી અથવા કાટખૂણી હોય છે !
હું ય માણસ છું, મને સ્વીકાર સૌ ભૂલો સમેત,
તું ય જાણે છે, કોઈ ક્યાં સર્વગુણી હોય છે !
આવકારો દર્દને હું એટલે આપું ‘સુધીર’,
હર ગઝલનો શબ્દ બસ એનો જ ઋણી હોય છે !
સુધીર પટેલ

સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ
નથી એને કાંઈ જંપ નથી મનને આ ચેન
આકાશે જોઈ મેં તો છાયા ઘનશ્યામની
ને જાગી ઊઠ્યાં શમણાંના ગીત
એવી મારી પાગલની પ્રીત
જોઈ જોઈ ઝંખુ ને ઝૂરું હું રાત’દી
સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ
વીજળી ચીરે વ્યોમને મને વેદના ચીરે તેમ કોણ જાણે એવું શું આવે છે યાદ કે
નથી ઊજળાં દિવસ ઘોર અંધારી રેન
નીતરે છે આંખમાંથી ધારા આખા આ આયખાને આમ કાં દઝાડતા કોની તે યાદના અંગારા
સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ
સખી નીતરે શ્રાવણ એમ નીતરે આ નેણ
નથી એને કાંઈ જંપ નથી મનને આ ચેન
સ્વર – સુધા મલ્હોત્રા કવિ – ?
પાછું વાળીને જેણે ન જોઈ જાનકીને
કરીએ કિયો રે ભરોસો ભગવાન
લાંબા છે દા'ડા એથી લાંબી છે રાતો
રામ... હે રામ!
વસમી વેળાએ તું તો
ખારા જીવતરની કરીએ કોને જઈને વાતો પડખે આવી ન ઊભો
કરીએ કિયો રે ભરોસો ભગવાન
કરીએ કિયો રે ભરોસો ભગવાન રામ... હે રામ!
પોઢ્યો પાતાળે જઈને
લાગ્યો છે કારમો દવ હે ડુંગરીએ દિશા ન સૂઝે હવે દોડીને શું કરીએ
રામ... હે રામ!
શોધ્યો ન જડિયો તારો કરીએ કિયો રે ભરોસો ભગવાન કરીએ કિયો રે ભરોસો ભગવાન
પાછું વાળીને જેણે ન જોઈ જાનકીને કરીએ કિયો રે ભરોસો ભગવાન રામ... હે રામ!
ગીતઃ ધીરૂબહેન પટેલ
સૂરજની આંખમાં આંસુ ઊગ્યું એને ખરતા અંધારાનો ભાર સૂરજમુખીએ એનું આંસુ લૂછ્યું પછી છાનુંમાનું રોયું ચોધાર રેલાતાં તડકાના મોજામાં તરફડતી કોની આ કોરી શી લાગણી? અજવાળી, અશ્રુનાં પગલામાં ટળવળતી, સૂરજની ભીની શી માંગણી! સંધ્યાની ફોરમમાં ના'તા પડછાયામાં સૂરજનો નીતરતો ભાર સૂરજની આંખમાં આંસુ ઊગ્યું... આકાશી ચોકમાં તારલાઓ ટોળે મળ્યાં ચર્ચાતી વેદનાની વાત ચમકંતા ચાંદલાની શીતળ ઝળહળમાં પેલા સૂરજની ખડકાતી યાદ પીગળેલું અંધારું આંસુ બનીને પૂછે સૂરજને કેટલી છે વાર? સૂરજની આંખમાં આંસુ ઊગ્યું એને ખરતા અંધારાનો ભાર સૂરજમુખીએ એનું આંસુ લૂછ્યું પછી છાનુંમાનું રોયું ચોધાર

ગૌરાંગ દિવેટીયા

રહસ્યોની  ગુફામાં  જઈ  નીસરવું  યાદ  આવ્યું   નહિ,
સમયસર ખૂલજા  સિમસિમ  ઉચ્ચરવું યાદ આવ્યું નહિ

અમે   જે  બાળપણમાં  ભીંત   પર  દોર્યું   સરળતાથી
ઘણા  યત્નો   છતાં  પાછું  ચીતરવું  યાદ  આવ્યું  નહિ

હતું  એ  હાથમાં  ને  રહી  ગયું  એ  હાથમાં  એમ  જ
ખરે  ટાણે   હુકમ  પાનું  ઊતરવું   યાદ  આવ્યું   નહિ

કલમથી  શાહી  બદલે  દર્દ   છંટકોર્યું  છે  કાગળ  પર
બીજી  કોઈ  રીતે  મન  હળવું  કરવું  યાદ  આવ્યું નહિ

રચનાઃ મનોજ ખંડેરિયા

Sunday, July 19, 2015

ગોરી તારે ત્રાજૂડે રે,
મોહ્યા મોહ્યા મુનિવર રાયા રે;
રૂપ સ્વરૂપ કળ્યું નવ જાયે,
કોઈ દીસે છે ઈશ્વરી માયા રે. ...૧

રુમઝુમ રુમઝુમ નેપૂર વાજે,
ગોફણે ઘૂઘરી ઘમકે રે;
શીશ દામણી એણી પેર સોહે,
જેમ ગગન વીજળી ચમકે રે. ...૨

નિલવટ આડ કરી કેસરની,
માંહે મૃગમદની ટીલી રે;
આંખલડી જાણે પાંખલડી,
હીડે લીલાએ લાડગહેલી રે. ...૩

આ કંચવો તમે ક્યાં સિવડાવ્યો,
શણગટ વાળ્યો શું ધારી રે ?
આ વેણી તમે ક્યાં રે ગૂંથાવી
જેણે મોહી વ્રજની નારી રે ? ...૪

ચંચળ દૃષ્ટિ ચહુદિશ નિહાળે,
માંહે મદનનો ચાળો રે;
નરસૈંયાનો સ્વામી જોવા સરખો,
કોઈ એ સુંદરીનું વદન નિહાળો રે. ...૫