Sunday, December 18, 2016

આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!

આપ જ આવા તો જોયા!
મેં તો  માનેલું, કે  ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

દુર્બલ, દીન, નિરાશ વળેલો,
દૂરથી  દેખી  શું  રોયા!  પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

પંકનિમગ્ન હતાં ચરણો તે,
પોતે દયાથી  શું  ધોયા,  પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

સ્વચ્છ કરી જખમો સહુ જૂના,
લેપ   લગાડી   લોહ્યાં!  પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

મેં તો  માનેલું,  કે ખોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

આપ જ આવા તો જોયા, પિતા પ્રભુ!
આપ જ આવા તો જોયા!

 -મણિશંકર રત્નજી ભટ્ટ ‘કાન્ત’

No comments:

Post a Comment