Tuesday, October 21, 2014

દીવડો ઝાંખો બળે -
રે મારો દીવડો ઝાંખો બળે.
આજે ઘેર અતિથિ આવે;
પલ પલ પડઘા પડે;
સકળ નગર સૂતું છે, સ્વામી!
તારાં સ્વાગત કોણ કરે. - દીવડો૦
તારો રથ ગાજે છે ગગને;
ધરતી ધબક્યા કરે;
હે પરદેશી! પોઢણ ક્યાં દેશું!
નયને નીર ઝરે. - દીવડો૦
'સાંજ પડ્યે આવું છું, સજની!'
એવું કહીને ગયો;
આજ યુગાંતર વીત્યે, વ્હાલા !
તારાં પગલાં પાછાં વળે. - દીવડો૦
સાંજ ગઈ, રજની ગઈ ગુજરી;
હાય, પ્રભાત હવે;
ક્યાં રથ! ક્યાં અતિથિ! ક્યાં પૂજન!
નીંદમાં સ્વપ્ન સરે.
દીવડો ઝાંખો બળે -
રે મારો દીવડો ઝાંખો બળે.
* * *
-------- ઝવેરચંદ મેઘાણી

No comments:

Post a Comment