Sunday, June 1, 2014

ના'વ્યા એ નણદલના વીરા,
કે પૂર્ણિમા પાછી ઉગી રે. ધ્રુવ.

સોળ-સોળ પાંખડીનાં કમળ મંગાવ્યાં;
નિત્ય નિત્ય લખી લખી થાકી:
કે પૂર્ણિમા પાછી ઉગી રે.
રોજ રોજ રજની તો તારલે ભરેલી;
જોઈ જોઈ એહ હું તો થાકી:
કે પૂર્ણિમા પાછી ઉગી રે.

સ્‍હાંજ ને સ્‍હવાર બોલે બોલ દેવઘંટા;
વાંચી વાંચી ભાગ્ય એમાં થાકી:
કે પૂર્ણિમા પાછી ઉગી રે.
ઘડી ઘડી પિયુને પુકારે ઓ ! પપૈયો;
સુણી સુણી શબ્દ એહ થાકી:
કે પૂર્ણિમા પાછી ઉગી રે.

ન્હાતી હું અખંડ એની હાસ્યચન્દનીમાં
ચન્દની આ ઓઢી ઓઢી થાકી:
કે પૂર્ણિમા પાછી ઉગી રે.
ચન્દ્ર ! ત્‍હારા સમું એનું વદન સોહામણું,
એના વિના ન્ય્હાળી ત્‍હને થાકી:
કે પૂર્ણિમા પાછી ઉગી રે.

ના'વ્યા એ નણદલના વીરા, ને પૂર્ણિમા પાછી ઉગી રે.
ન્હાનાલાલ કવિ


No comments:

Post a Comment