Sunday, June 1, 2014

ફુલડાં ઉગ્યાં અણમોલ ચાંદલિયાની ડાંખળીએ રે;
એવા કંઈ રસના બોલ ઉગે મ્હારી આંખડીએ રે.

ચાંદણીઓ વેરી ચન્દ્ર ચાલે રે
ઠમક ઠમક ઠમકન્ત;
વેરૂં હું એવી તેજપગલીઓ
મારગડે મલકન્ત:
ચાંદલિયાની ડાંખળીએ રે.

સેથે ચોઢી મેઘઓઢણી રે,
ચન્દની ચણિયાને ઘેર;
ચન્દ્રકલા આ કલા કરી ચમકે;
કરૂં હું કલા એ પેર;
ચાંદલિયાની ડાંખળીએ રે.

કિરણો રચે અલબેલડી રે,
અલકલટો ચન્દ્રભાગ્ય;
છૂટો મ્હેલ્યો મ્હારો અજબ છટાનો
અંબોડલાનો સોહાગ:
ચાંદલિયાની ડાંખળીએ રે.

રૂપનો સાગર ડોલતો રે,
ચન્દ્રી ઝીલે એ જૂવાળ;
કોડભરી એવી હું ય કુમારી
દેવસુધાનો થાળ:
ચાંદલિયાની ડાંખળીએ રે.

ફૂલડાં ઉગ્યાં અણમોલ ચાંદલિયાની ડાંખળીએ રે;
એવા અમૃતના બોલ ઉગે મ્હારી આંખડીએ રે.
ન્હાનાલાલ કવિ


No comments:

Post a Comment