Tuesday, August 26, 2025

વરસાદી મોર '

' વરસાદી મોર '  

સખી ! હૂંફાળી સેજ પર કાંટા ફૂટે ને ઓલ્યા મધરાતે બોલે છે મોર ....
વરસાદી વાયરાની વાછટ ઉડે ને ઓલ્યા કમખામાં ખૂંચે છે થોર ....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....

વાદળમાં વ્હાલ જોઈ હેતથી હું ડોલી ,
રણઝણતી ઘુઘરિયું ધીમેથી બોલી ,
અંતરના ઓરડામાં નેણલાં ડૂબે ને ઓલ્યા પરભાતે ઝીંકાતો શોર....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....

ઉભેલો ચાડિયો ધીમેથી ડોલે ,
મધમીઠો સાદ જાણે ભીતરમાં ખોલે ,
ઓળઘોળ રંગાવા ઝરણાં ફૂટે ને ઓલ્યા અધરાતે છાંટે છે તોર.....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....

ગમતીલા ગીતોમાં લગની તો લાલઘૂમ ,
નવરંગી હૈયામાં સાજન તો ક્યાંય ગુમ ,
અધખુલ્લી આંખોમાં સપના વછૂટે ઓલ્યા કમખામાં થાતો કલશોર ....
ઝીણો..ઝીણો.... વરસાદ...
આ તે કેવો વરસાદ....

---- હર્ષિદા દીપક

Saturday, May 24, 2025

મને મનગમતી સાંજ એક આપો :

અણગમતું આયખું લઈ લ્યોને, નાથ ! મને મનગમતી સાંજ એક આપો :
કે ક્યારનો મૃગજળમાં ઝૂરતો તરાપો…
 
ખરી પડ્યાં પાંદડાંને હાથમાં લઈને મેં આંખોમાં રોપ્યું એક ઝાડ :
પંખીનાં લાડ કદી નીરખ્યાં નથી કે નથી સાંભળ્યો મેં નભમાં ઉઘાડ.
થીજેલાં જળમાં આ સૂતેલી માછલીને અર્જુનનો મત્સ્યવેધ આપો.
 
મને આપો એક સાંજ, મને આપો એક રાત મને આપો એક એવો આશ્લેષ 
ફરફરવા લાગે આ સાતસાત જન્મોના તાણીને બાંધેલા કેશ !
મારાથી સાવ મને અળગી કરીને નાથ, કાયમની કેદ મને આપો ! 

-જગદીશ જોષી