Sunday, August 28, 2022

ૐ ગં ગણપતયે નમઃ🙏🏻

મંદિર જેવું પાવક, ભીતર અજવાળું પ્રગટાવો.
હે દૂંદાળા દેવ, અમારા હદયપરોણા થાઓ.

વીણ મહેનત ના સિદ્ધિ મળતી, સિદ્ધિ વીણ ના રિદ્ધિ,
સત્ય સનાતન ના સમજે, ઈચ્છાઓ સઘળી જિદ્દી,
શુભ વગરનો લાભ નકામો, આ સમજણ વિકસાવો.
હે દૂંદાળા દેવ, અમારા હદયપરોણા થાઓ.

આશિષવંતો હાથ પસારી, શુદ્ધ કરો મન બુદ્ધિ,
હે ગણ નાયક, દેજો અમને સદ્દગુણની સમૃદ્ધિ
મઘમઘ મહેંક પ્રસારે એવું જીવન પુષ્પ ખીલાવો.
હે દૂંદાળા દેવ, અમારા હદયપરોણા થાઓ.
                         કિશોર બારોટ

Thursday, August 4, 2022

પ્રકૃતિમાં પ્રભુ દર્શન

પ્રકૃતિમાં પ્રભુ દર્શન

લોકો ક્યે વરસે વરસાદ, હું તો કહું છું કે મોતીડે હરજી પોંખાય છે.
લોકો ક્યે ડાળડાળ ખીલ્યાં છે ફૂલ, હું તો કહું છું કે માધવ મલકાય છે.

રુક્મણી નાખે વિઠ્ઠલજીને વિંઝણો ને ધરતી પર આવે નીતરતો પવન,
આભના અરીસામાં નિરખતા મુખ હરિ તેથી તો લાગે છે નીલું ગગન.
લોકો ક્યે ખીલ્યાં પલાશ તો હું કહું છું કે વૈકુંઠમાં હોળી ખેલાય છે.
લોકો ક્યે વરસે વરસાદ...

રાસમહીં રાધાની ઓઢણીથી ખરતી સીતારીઓ તારા પ્રકાશતાં,
ભક્તોના વિરહના આંસુ એ સમદર ને એમાં નારાયણ બીરાજતા,
લોકો ક્યે કૂજે છે કોયલ, બપૈયા, હું તો કહું છું કે વાંસલડી વાય છે.
લોકો ક્યે વરસે વરસાદ...
                      જગદીપ ઉપાધ્યાય

Monday, July 4, 2022

કંજૂસ



અહીંયા તો બધ્ધા કંજૂસ.
ચોમાસું'ય પૂછી લે, છૂટ્ટક બે છાંટામાં પીશો કે વાદળીનું જ્યુસ ?
 
અહીંયા તો બધ્ધા કંજૂસ. 

આમ પાછા વ્હેંચીને ખાવામાં માને ને અર્ધીની'ય અર્ધી પીવરાવે. 
એવાના આંગણામાં આપશ્રી કહો છો એવો ધીંગો વરસાદ ક્યાંથી આવે ? 
કો'ક વાર ક્યાંક વળી વાછટ પણ મોકલે ને પૂછી પણ લેતા કે ખુશ ?

અહીંયા તો બધ્ધા કંજૂસ.

અહીં તો જુવાનજોધ થાય છે અષાઢ તોય પ્હેરે દિ કોરાધાકોર. 
વરસાદે ન્હાવા ઈ નીકળેલા હોય અને પરસેવે પલળે ઠાકોર ! 
મન મૂકી વરસે નહીં એવા લોકોને જોઈ વાદળ પણ થઈ ગ્યા ચીંગુસ.
 
અહીંયા તો બધ્ધા કંજૂસ.
કૃષ્ણ દવે.

Thursday, June 30, 2022

આપણી વચાળે જરી પ્રેમ છે ?

જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !

હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?

દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?
હરીન્દ્ર દવે

Monday, June 20, 2022

father's day

છડો હું હતો છોકરો છેક છોટો,
પિતા પાળી પોષી મને કીધ મોટો.
રૂડી રીતથી રાખતા રાજી રાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ચડી છાતીએ જે ઘડી મૂછ તાણી,
કદી અંતરે રીસ આપે ન આણી;
કહ્યું મેં મુખે તે કર્યું હાજી હાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને સારી શિક્ષા શિખાવી સુધાર્યો,
વળી આપી વિદ્યા વિવેકે વધાર્યો;
ભલી વાતના ભેદ સીધા દીધાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

કદી કોટી કોટી સહી કષ્ટ કાયા,
મને છાતીમાં લૈ કરી છત્રાછાયા;
અતિ પ્રાણથી પ્યાર જે આણતાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને દેખી અત્યંત આનંદ લેતા,
મુખે માગી વસ્તુ મને લાવી દેતા;
પૂરો પાડ તે તો ભૂલે પુત્ર પાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

વડા વાંકમાં આવું તો રાંક જાણી,
દીધો દંડ દેતાં દયા દિલ આણી;
તજી સ્નેહ દેહે ન દીધી પીડાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી,
તથા તુચ્છ જેવી બૂરી ટેવ ટાળી;
જનો મધ્ય જેથી રહી કીર્તિ ગાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

લીધો લાવ ને લૈશ જે લાવ સારો,
ગણું ગુણ હું તાત તે તો તમારો,
સદા સુખ સારુ ઉપાયો સજ્યાજી
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

મને નિર્ખતા નેત્રામાં નીર લાવી,
લઈ દાબતા છાતી સાથે લગાવી;
મુખે બોલતા બોલ મીઠા મીઠાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

હતો બાળ હું આજ સુધી અજાણ્યો,
ઉરે આપનો ગુણ એકે ન આણ્યો;
હવે હું થયો જાણીતો આજ આ જી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી.

જગંનાથજી જીવતો રાખશે જો,
હયાતી તમારી અમારી હશે જો;
કરું સેવના દિલ સાચે સદાજી,
ભલા કેમ આભાર ભૂલું પિતાજી….
- દલપતરામ કવિ

Saturday, May 28, 2022

જ્યારે ગોકુળિયું ગામ યાદ આવશે

દ્વારિકાની દુનિયામાં કેમ તમે રેશો ને કેમ કરી તમને ફાવશે
જયારે… ગોકુળિયું ગામ યાદ આવશે
કેવું બપોર તમે વાંસળીના સૂર થકી
વાયરાની જેમ હતા ઠારતા
પાંપણમાં પુરબી ગાયો લઈ સાંજ પડે
પાદરની વાટને મહારતા તમે
કે મોરપિચ્છ ખોસીને ફરતા બેફામ હવે
સોનાનો ભાર કેવો લાગશે. જયારે…
માખણની જેમ કયાંક હૈયુ રે ચોરતાને
કયાંક વળી કરતા ઉદારતા
ગોવર્ધન જીતવા છતાં એક રાધાની
પાસે અનાયાસ હારતા
કે રાજ તણી રમતોમાં નહીં ચાલે કારી ને
જીતવાનું ઠેર ઠેર આવશે. જયારે….




Sunday, May 1, 2022

હરિ અમથા ... રે ...

હરિ અમથા ... રે ...

'હરિ' અમથા હરખાતા રે ...
આંસુ તો છલકાતાં રે ...

સ્પર્શે ઓળંગી સીમા
અંગોયે અકળાતાં રે ...

પ્હાડેથી પડતું મેલ્યું
પડઘાઓ સંભળાતા રે ...

પશ્ચિમે સન્નાટો, ને
પૂરવ પંખી ગાતાં રે ...

દૂર દક્ષિણમાં અજવાળું
દીવાઓ દેખાતા રે ...

ઉત્તરમાં ઉત્તર મળશે?
'હરિ' મનમાં મૂંઝાતા રે ...

દાદ મળી ક્યાં મ્હેફિલમાં?
'હરિ' અમથા હરખાતા રે ...

હરિહર શુક્લ 'હરિ'