Sunday, December 11, 2016
અલી તું તો ઢળકતી ઢેલ!
કે તારો વાલમો વનનો મોરલો
તારે નેણલે સોહાગનો નેહ
એવે નેણલે નીરખ્યો મોરલો
કે તારો વાલમો વનનો મોરલો
અલી તું તો ઢળકતી ઢેલ!
કે તારો વાલમો વનનો મોરલો
દૂરની વનરાઈમાં મોરલાને માંડવે
ગ્યાતાં ઢોલણરાણી નાચંતા નેણલે
કે પીધી મીઠાં આંસુડાની હેલ!
કે તારો વાલમો વનનો મોરલો
અલી તું તો ઢળકતી ઢેલ!
શરમાળી આંખોમાં શમણાં સંતાડતી
તારા કોડીલા હૈયાની કહેતી જા વાતડી
કે જોને પાંગરતી મઘમઘતી વેલ!
કે તારો વાલમો વનનો મોરલો
અલી તું તો ઢળકતી ઢેલ!
કે તારો વાલમો વનનો મોરલો
ગીતઃ પ્રહ્લાદ પારેખ
પાંપણ પાછળ નેણ છુપાવ્યાં, પાલવ પાછળ હૈયું,
પણ મારી પાની કહ્યું નહિ માની
છુપે ના છુપાણી કરે મનમાની
સાસરીની સાંકડી શેરીમાં વાગે કદી ના સંગીત
જાતાં ને આવતાં ઝાંઝરીની તાલે પાની ગાતી રહે ગીત
નહિ એ મૂંઝાણી રહી અણજાણી
સદાકાળ પાની કરે મનમાની
પણ મારી પાની કહ્યું નહિ માની
છુપે ના છુપાણી કરે મનમાની
મૈયરથી મુને મળવા આવ્યો એ મારો કોઈ મન મિત
પિયરથી તારા વાવડ લાવ્યો, તું શું ભૂલી ગઈ પ્રીત
લાવ્યો છું એક ઝાંઝરજોડી, સુણાવ તું કોઈ ગીત
સુણી હું લજાણી પણ મારી પાની
નહિ લજવાણી એના ઝાંઝરની વાણી
નાચે મારી પાની થઈને મસ્તાની
એ રોકે ના રોકાણી હું લાખ રીસાણી
પણ મારી પાની કહ્યું નહિ માની
છુપે ના છુપાણી કરે મનમાની
ગીતઃ નિરંજના ભાર્ગવ
Saturday, December 10, 2016
એક મયખાનું ચાલે છે આલમ મહીં ચંદ્ર પણ જામ છે સૂર્ય પણ જામ છે
દૃષ્ટિવાળા ફકત પી શકે છે અહીં ખાસ મહેફિલ છે પણ દાવતે આમ છે
એક મયખાનું ચાલે છે આલમ મહીં
પાપ ને પુણ્ય જેવું કશુંય નથી માત્ર નીતિના મૂલ્યાંકનો છે જુદા
ખૂબ સમજી લે મન તારા કર્મો થકી તુંજ ખુદ સ્વર્ગ કે નર્કનું ધામ છે
એક મયખાનું ચાલે છે આલમ મહીં
જળની ધારા ગમે તેવા પાષણને એક ધારી પડે તોજ ભેદી શકે
ભાગ્ય પલટાય ના માત્ર ઈચ્છા વડે યત્ન કર ખંતથી એજ પયગામ છે
એક મયખાનું ચાલે છે આલમ મહીં
થઈ ગયા સાચ ને જૂઠના પારખા મિત્ર પડખે નથી શત્રુ સામે નથી
ઓ મુસીબત અમારી સલામો તને આજ તારા પ્રતાપે જ આરામ છે
એક મયખાનું ચાલે છે આલમ મહીં
'શૂન્ય' તો એક જોગી સમો જીવ છે એને લૌકિક પ્રલોભન તો ક્યાંથી નડે
પ્રેમ નિષ્પક્ષ છે રૂપ નિર્લેપ છે કર્મ નિસ્વાર્થ છે ભક્તિ નિષ્કામ છે
એક મયખાનું ચાલે છે આલમ મહીં
-‘શૂન્ય’ પાલનપુરી
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી મૂંગું મરતું લાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
એક ખૂણે આ આયખું નાનું,
કેવું વીતી જાય મજાનું!
કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી!
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
એનું નિજના રંગમાં રાતું,
ખુશ્બૂભર્યું એકલું ખાતું,
મસળી નાખે કોઈ તો સામે મહેક દે તાજી તાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
-મકરંદ દવે
Subscribe to:
Posts (Atom)






