Tuesday, November 15, 2016

મન માને, તબ આજ્યો
માધો, મન માને તબ આજ્યો રે.
આ ઘડીએ નહીં રોકું,
રોક્યું કોણ અહીં રોકાશે?
લ્યો, ખોલી દીધા દરવાજા,
વીંટળાયા અવકાશે,
મનભાવન ઘર જાજ્યો રે. માધો
ખત નહીં લખીએ, નહીં લખલખીએ,
નહીં કહીએ કે તેડો’,
કોઇ દન અહીં થઇ પાછા વળજ્યો,
એટલું જાચે નેડો.
બે ઘડી રોકાઇ જાજ્યો રે. માધો
મૂકી ગયા જે પગલાં
તેની ધડકે હજીયે ધૂળ,
વિરહાને નહીં થાક, અમો તો
હરઘડીનાં વ્યાકુળ,
હર ટહુકો દરદે તાજો રે, માધો.
મન માને તબ આજ્યો, – માધો

ઉશનસ્

આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું
રંગોળીમાં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે
ઘરની આ મિરાત
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

અનિલ ચાવડા
સાધો, હરિ સંગે હરીફાઈ
જીતી જશું તો હરિ જીત્યાની કરશું આપબડાઈ…. સાધો
હારી જઈશું તો ઈડરિયો
…..
ગઢ ધરશું હરિચરણે,
કામદૂધા દોહી દોહી
……
હરિરસ ભરશું બોધરણે….
ભગતિ તો જૂગટું છે, હાર્યો રમશે રમત સવાઈ…. સાધો….
અનંતની ચોપાટ પાથરી
…….
હરિએ ફેંક્યા પાસા,
અમે જીત્યા તો ઢોલ વજાડો
…….
હરિ જીતે તો ત્રાંસા.
છેક છેવટ હાર કબૂલી જાશું સ-રસ રિસાઈ…. સાધો

હરીશ મીનાશ્રુ

પગલી પારિજાતની ઢગલી !
ઘરમાં આવ્યું વૃંદાવન ને હૈયે કુંજગલી !
કાલ સુધી જે છાયાઓ આંગણ ઘેરી પથરાતી,
શેરીમાં ચિંતાની રજ ઊડતી ઠરતી અટવાતી.
આજ હવા તુલસીક્યારાની ફરતે ગાવા ચલી.
પગલી પારિજાતની ઢગલી !
પંખીએ માળો બાંધ્યો છે કિરણોનાં તરણાંનો
યમુનાને શો ઉમંગ એણે સાદ સૂણ્યો ઝરણાંનો
સંશયની કારા તૂટી ગઈ, દુનિયા સઘળી ભલી.
પગલી પારિજાતની ઢગલી !

રઘુવીર ચૌધરી


અલી તને ટહુકાઓ આપું તો લઈશ કે?
ખુલ્લી હથેળીઓમાં સૂરજ ઉગાડું
પછી તડકાઓ આપું તો લઈશ કે?
તને આખું આકાશ કેમ આપી શકાય
ભાગ એમાં છે આખા એ ગામનો
સપનાને સોંસરવા વીંધીને એના પર
સૂરજ ચીતરાયો નકામનો
(
કહે) મારી આ આસમાની આંખોના ભૂરાછમ
સપનાંઓ આપું તો લઈશ કે?
ટહુકા કે તડકાઓ આપી તો દઉં
એને કેમ કરી ઘરમાં લઇ જાશે?
તારી આ જાત હવે તું થી જળવાય નહી
કેમ કરી સપનાં જળવાશે?
આપણા વિયોગ પછી ઉંબરમાં અટકેલાં
પગલાંઓ આપું તો લઈશ કે?

લતા હિરાણી
બંધ  પરબીડિયામાંથી   મરણ  મળે તમને
બચી શકાય તો  બચવાની ક્ષણ મળે તમને
 
ટપાલ  જેમ  તમે  ઘેર-ઘેર  પહોંચો   પણ
સમસ્ત શહેરના  લોકો  અભણ મળે તમને
 
ખજૂરી જેટલો છાંયો  મળે –  એ સિક્કાની
બીજી બાજુય  છે  એવી કે, રણ મળે તમને
 
વિખૂટું  હોય  છે  તેને   ભૂલી   જવા  માટે
સમક્ષ   હોય  છે  તેનું  શરણ  મળે  તમને
 
તમારા કંઠમાં  પહેલાં  તો  એક  છિદ્ર મળે
પછી તૃષા ને  પછીથી  ઝરણ  મળે  તમને
 
ઝરણ નહીં તો  એના પ્રાસથી  ચલાવી લ્યો
અહીં   અભાવનું  વાતાવરણ  મળે  તમને!
જાવ, નિર્વીર્ય  હે શબ્દો, તમોને  આશિષ છે
તમારા  ક્લૈબ્યનું  વાજીકરણ   મળે  તમને!
 
-રમેશ પારેખ

Friday, November 11, 2016

હું ઘોડાગાડી વાળો મારો ઘોડો ઘણો રુપાળો