Monday, April 8, 2024

રાધાનું નામ યાદ આવ્યું,

અધરાતે મધરાતે દ્વારકાના મહેલ મહીં,

રાધાનું નામ યાદ આવ્યું,

રુક્મિણીની સોડ તજી ચાલ્યા માધવ

બંધ દરવાજે ભાન ફરી આવ્યું.


દ્વારકાના દરિયાનો ખારો ઘૂઘવાટ

દૂર યમુનાના નીરને વલોવે

સ્મરણોનું ગોરસ છલકાય અને માધવની

આજને અતીતમાં પરોવે.


કેદ આ અજાણી દિવાલોમાં, જાણીતી

કુંજગલી કેમ કરી જાવું ?


રાધાના નેણની ઉદાસીના કેફ તણી

ભરતી આ ગોકુળથી આવે

મહેલની સૌ ભોગળને પાર કરી માધવના

સૂનમૂન હૈયાને અકળાવે


ભીતર સમરાંગણમાં ઉભો અર્જુન

એને કેમ કરી ગીતા સંભળાવું ?


હરીન્દ્ર દવે.....


Friday, December 22, 2023

લ્યો! હરિએ મોકલ્યું મને


લ્યો! હરિએ મોકલ્યું મને તો એંસી વર્ષે માગું!
શું હજી હું તમને હરિજી અઢાર વર્ષની લાગું?

જાન લઈને ઝટ આવોને બારણાં ખુલ્લાં રાખું !
મૈયરના ગંગાજળને તુલસી છેલ્લે છેલ્લે ચાખું.
દહેજમાં શું જોઈએ, કહેજો..ના કરશો ને ત્રાગું?

લ્યો! હરિએ ...

ચુંદડી ઓઢી દોડી સૌને આવજો આવજો કરવા!
ચાર ખભે ડોલીએ મ્હાલી ચાલી પ્રભુને વરવા !
શમણામાં પણ તક ના ચૂકું તેથી હું તો જાગું !

લ્યો! હરિએ ...

-યામિની વ્યાસ

Thursday, September 7, 2023

કાનો નીજ આંગનમાં....

કાનો નીજ આંગનમાં.....


નેહ નીતરતી પાંપણ ઢાળી શોધે વૃંદાવનમાં 
રાધા શોધે કાન્હાને ને કા'નો નૈ  મધુવનમાં 
     કાનો નીજ  આંગનમાં.... 

ગોકુલ,  મથુરા,  વૃંદાવનમાં ગલીએ ગલીએ જોયું 
વનરાવનમાં વનરાજીની શાખે શાખે જોયું 
પગલે પગલે થઇ બ્હાવરી પૂછે છે ઉપવનમાં...... 
       કાનો નીજ  આંગનમાં.... 

ભરનીંદરમાં ઝબકી જાગી અને હીંચકે બેઠી 
શામળિયાની છબી અચાનક મધરાતે કાં  પેઠી ?
શ્યામ મિલનની લગની લાગી મઘમઘતા આ વનમાં ....... 
       કાનો નીજ  આંગનમાં.... 

પરોઢ થાતાં  પરસાળે જઈ  આસ ભરીને જોતી 
વાંસલડીના સૂર ધીમેથી મનમાં મીઠાં પ્રોતી  
શ્વાસ સામટા  ફરી વળ્યા  કાંઈ  મખમલિયા સ્પંદનમાં..... 
       કાનો નીજ  આંગનમાં.... 
  --- હર્ષિદા દીપક

Thursday, May 18, 2023

નહીં ઓછું વધુ કંઈ લઉં,પ્રભુ

કવિ શ્રી દાદ ની ખુબ સરસ રચના..
કેટલી સરળ ભાષા!!

નહીં ઓછું વધુ કંઈ લઉં,
પ્રભુ તું આપે એટલું લઉં

મોંઘા હોય તો ય મોતી ખવાય નહીં
ખાય સૌ બાજરો ને ઘઉં,

મિલના માલિકથી તાકા પે'રાય નહીં સવા ગજ પ્હેરે સૌ,
પ્રભુ તું આપે એટલું લઉં'..

'સમંદર પીધે પ્યાસ બુઝે નહીં
અપચો થઈ જાય બઉ,
મીઠડું નાનું ઝરણું મળે તો અમૃત ઘુંટડા લઉં,
પ્રભુ તું આપે એટલું લઉં'...

ઘરના ગોખમાં પ્રભુ મળે તો હાલું શીદ ગાઉ ના ગાઉ
"દાદ" કહે પ્રભુ તારી દુનિયામાં તું રાખે તેમ રહું પ્રભુ તું આપે એટલું લઉં'.

Wednesday, May 17, 2023

ચકો કે' "એલી ચકી,હોંકારો આપો




ચકો કે' "એલી ચકી,
હોંકારો આપો તો એક વાત કહું."
ચકી કે' "ચીં..."
ચકો કે' "સાંભળ,ચકો કે' "એલી ચકી,
હોંકારો આપો તો એક વાત કહું."
ચકી કે' "ચીં..."
ચકો કે' "સાંભળ,
જો હવે નથી સોનલના દેશ
કે નથી અલા ખાચરની ડેલી,
ને મન પાંચમના મેળા પણ ક્યાં?
ગધની આ માનવજાતને
આવડી છે જ્યારથી ચપટી વગાડતાં,
ત્યારથી જ નિકળી ગયા છે
આપણા કચ્ચરઘાણ.
જ્યાં લગી હતાં ચશ્માના કાચ જાડા,
ત્યાં લગી હતાં આપણાં રજવાડાં,
હવે તો એય ગયાં."
ત્યાં જ સૂની હવેલીમાં
ખડિંગ કરતો અવાજ આવ્યો 'ને
પાટિયા પરથી પુસ્તક પડ્યું :
"છ અક્ષરનું નામ"
ચકી કે', "એલા ચકા,
રજવાડા ગયા,
દબદબા નહિં હો..."
- અર્જુન ગઢિયા

Monday, May 15, 2023

લઈ જા દરિયા પાર....

લઈ જા દરિયા પાર.... 

મુને તારી કંઈ વાતોનો રંગ એવો લાગ્યો કે લથબથતી હાલી હું બહાર.... 
પહેલી આ પ્રીતનો છાંટો જ્યાં અડ્યો ત્યાં ઊડતી રે સમણાંની હાર... 
મને લઈ જાને દરિયાની પાર....

આંગણ આવીને ઊભો મનનો માનેલ એને દેખીને સાન - ભાન ભૂલી 
મેઘધનુ રંગોની લાલીમા પાથરતી ઓરતાની વણઝારું ખૂલી 
પ્રીતના ગુલાલભર્યા વાસંતી વેલડામાં મહેકાવી જીવતરનો સાર..... 
મને લઈ જાને દરિયાની પાર.....

રેશમિયે ઢોલિયે રે હુંફાળી સેજ પરે પાંખાળા ઓરતાઓ ઊડે 
શ્વાસો ભરીને હવે સંગે વિતાવવાની ઘટનાઓ આંખડીમાં બૂડે ? 
આછેરાં દર્શનમાં પ્રીત તારી પીવાનું ઝંખન ઝબૂકતું અપાર..... 
મને લઈ જાને દરિયાની પાર.....

       -- હર્ષિદા દીપક