Wednesday, February 2, 2022

માં વિશે

કાગળો ટૂંકા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં;
શબ્દ સૌ ફિક્કા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં.

એ નથી, એ માનવા દેતી નથી જો હૂંફ એની;
દાક્તરો જુઠ્ઠા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં.

આ કલમ કે સ્યાહી ખૂટે તો બીજા લાવી શકું પણ;
શ્વાસ આ ઓછા પડ્યા જ્યાં,  
મા વિશે લખવા ગયો ત્યાં.

આ જગતની હર સમસ્યા એકદમ ભાંગી પડી ને;
પ્રશ્ન સૌ પોચા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં.

ઈશને આકાર લેવા મન થયું, માતા તરીકે;
અર્થના પડઘા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં.


વાટ મારી જોઈ જોઈ રાખતી‘તી આંખ ભીની;
અશ્રુના પડદા પડ્યા જ્યાં, મા વિશે લખવા ગયો ત્યાં.

ડૉ. મુકેશ જોષી

Friday, January 28, 2022

લિસ્ટ બનાવો

 
સીધું સાદું સરળ જીવન છે એને કાં ભાઈ ટ્વિસ્ટ બનાવો ?
નથી,નથી ની વાતો છોડો, છે,છે,છે નું લિસ્ટ બનાવો
 
કડવા ઘૂંટ ઉતાર્યા કરતાં એક વખત બસ થૂંકી નાંખો
અંધારાને તો અબઘડિએ ભરી ચલમમાં ફૂંકી નાંખો
દસે દિશે પ્રગટાવો સૂરજ, દશે દિશાને ઈસ્ટ બનાવો
 
નથી,નથી ની વાતો છોડો, છે,છે,છે નું લિસ્ટ બનાવો

લાચારી અંજળ ડ્હોળે ને એ પહેલા જ ઉલેચી નાંખો
માંડ આછર્યો છે આ વીરડો ખોબે ખોબે વ્હેચી નાંખો
છાતી કાઢી સુખ દુખ ઉજવો પળપળને ગર્વિષ્ઠ બનાવો

નથી,નથી ની વાતો છોડો, છે,છે,છે નું લિસ્ટ બનાવો

ક્ષણને સાચવતા જે શીખ્યા છેવટ એ તો સદી થયા છે
કાળમીંઢ પથ્થરને તોડી  સતત વહ્યાં તે નદી થયા છે
હાર જીતને તડકે મૂકી પ્રયાસને સંનિષ્ઠ બનાવો
 
નથી,નથી ની વાતો  છોડો,છે,છે,છે નું લિસ્ટ બનાવો
 
કૃષ્ણ દવે

Tuesday, November 30, 2021

અંજલિ ભરીને પ્રેમ ચાખ

અંજલિ ભરીને પ્રેમ ચાખ... 

ખળખળતી નદીયુંના નીર આજ બોલ્યા કે ચાલ તારી ઘીમી તો રાખ.....                               પરપોટા જેમ ભર્યો પ્રેમ તારી  ભીતરમાં અંજલિ ભરીને રોજ  ચાખ્....

સોનેરી કિરણોમાં સરતી તું જા  
ટહુકામાં અજવાળું ભરતી તું જા 
અંધારી ઓરડીમાં દીવડાનું તેજ ભરી અજવાળે બારણીયા વાખ.... 

ખળખળતી ધારામાં વહેતા રહેવું 
હૈયાને હેત ભરી  ચૂમતા રહેવું
જીવતરના રસ્તા પર ઉન્માદી ઓરતાને મોજાઓ જેવી દે પાંખ....

     ---- હર્ષિદા દીપક

Tuesday, November 23, 2021

ઘરનું અજવાળું

આટઆટલાં વરસો જેણે રાખ્યું ઘર હુંફાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

દીકરી જાતા એમ લાગતું
ગયો ગોખથી દીવો
નૈં સંધાય હવે આ ફળિયું
ગમે એટલું સીવો
જેની પગલી પડતાં સઘળે થઈ જાતું રજવાડું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

રંગોળીમાં પડશે નહીં રે
પહેલા જેવી ભાત
દૂર દૂર રે ચાલી જાશે
ઘરની આ મિરાત
આંસુથી ભીંજાશે સૌની આંખોનું પરવાળું
મ્હેંદી મૂકી ચાલ્યું આજે ઘરનું એ અજવાળું

– અનિલ ચાવડા

Tuesday, September 21, 2021

એક મોરપીંછનું આવવું

 શાંત બેઠા ત્યાં અચાનક એક મોરપીંછનું આવવું,

આસપાસ ચોપાસ બધે ય કાનાનું વીંટળાવવુ,


મન મહીં રોજ રસ્તો ચીંધે જગતનો એ સારથી,

કર્મયોગને દીપાવી હું એની ઉતારતો 'તો આરતી,

જીવતરના ધુમ્મસમાં એનું પ્રકાશ થઇને આવવું,

શાંત બેઠા ત્યાં અચાનક એક મોરપીંછનું આવવું,

બને એ રામ તો અમે એની શબરી બનવા રાજી,

કૃષ્ણ બનશે તો અમે એને ધરશું આતમ ભાજી,

જરૂર મુજબના વેશ ધરીને મદદે એનું આવવું,

શાંત બેઠા ત્યાં અચાનક એક મોરપીંછનું આવવું,


લડવા માટે શસ્ત્રો પુરા પાડે મારો કાનજી,

દુઃખનો ગોવર્ધન ઉપાડવા સદાય છે એ રાજી,

મુશ્કેલીના રણમાં રણછોડનું મદદે આવવુ,

શાંત બેઠા ત્યાં અચાનક એક મોરપીંછનું આવવું,

સૌને મર્યાદાના પરિઘ માં રહેતા એ શીખવાડે,

લક્ષમણરેખા બનીને એ રાવણને આઘો રાખે,

હૃદયની ગાદી ઉપર એની પાદુકા હું રાખું,

શાંત બેઠા ત્યાં અચાનક એક મોરપીંછનું આવવું,

આસપાસ ચોપાસ બધે ય કાનાનું વીંટળાવવુ...


~ કેતન ભટ્ટ




એક ટેકરી પહેલુંવહેલુંનાહી માથાબોળ… !

 આખા ડિલે ઊઠી આવ્યા

જળના ઝળહળ સૉળ,

એક ટેકરી પહેલુંવહેલું

નાહી માથાબોળ… !


સાવ અચાનક ચોમાસાએ

કર્યો કાનમાં સાદ…

અને પછી તો ઝરમર ઝરમર

કંકુનો વરસાદ !

દસે દિશાઓ કેસૂડાંની

થઈ ગઈ રાતીચોળ

એક ટેકરી પહેલુંવહેલું

નાહી માથાબોળ… !


ભીનો મઘમઘ મૂંઝારો

ને પરપોટાતી ભીંત,

રૂંવેરૂંવે રણઝણ રણઝણ

મેઘધનુનાં ગીત

શ્વાસોચ્છ્વાસે છલ્લક

કુમકુમ કેસરિયાળી છૉળ,

એક ટેકરી પહેલુંવહેલું

નાહી માથાબોળ… !

– કરસનદાસ લુહાર






Sunday, September 12, 2021

અમને શું ફેર પડે બોલો ?

 ઢેફુ સમજીને તમે ફેંકી દ્યો ધૂળમાં કે સોનાના ત્રાજવેથી તોલો

અમને શું ફેર પડે બોલો ?

આંગળીયું પકડી ક્યાં આવ્યા’તા કોઈની તે ભૂલા પડવાથી હવે ડરીએ ?મારગ ને પગલાંને મોજ પડી જાય એમ આપણે તો આપણામાં ફરીએ લ્હેરખીને જોઈ ઘણાં ભોગળ ભીડે ને વળી કોઈ કહે બારીયું તો ખોલો

અમને શું ફેર પડે બોલો ?વગડે વેરાન હારે વાતું મંડાણી ને મન થયું ઊગ્યા તો ઊગ્યા

આપણે ક્યાં માળીને કરગરવા ગ્યા’તા ભાઈ, ટોચ લગી પૂગ્યા તો પૂગ્યા

ડાળીયું પર ઝૂલે છે આખું આકાશ એમાં પોપટ બેસે કે વળી હોલો !

અમને શું ફેર પડે બોલો ?

આપણે ક્યાં પરપોટા ભેગા કરવા’તા તે કાંઠે જઈ માથાં પછાડીએ ?

એકાદો મરજીવો મૂળ લગી પ્હોંચે ને તો જ અમે બારણું ઉઘાડીએ

બાકી તો ઝાંઝવાને કરવતથી વેરો કે રંધા મારીને તમે છોલો!

અમને શું ફેર પડે બોલો ?

– કૃષ્ણ દવે